<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

મહિલા ક્રિકેટમાં 'સ્મૃતિ વિવાદ': પાકિસ્તાન સામે ફ્લોપ જતાં જ ભૂતપૂર્વ ક્રિકેટરે કરી આકરી ટીકા; ગુસ્સે ભરાયેલા ચાહકોએ ભૂતપૂર્વ કેપ્ટનને સોશિયલ મીડિયા પર કર્યા ટ્રોલ

૧૦,૮૮૦ આંતરરાષ્ટ્રીય રન અને ૧૮ સદીનો વર્લ્ડ રેકોર્ડ બનાવનાર સ્મૃતિ મંધાનાના સમર્થનમાં ઉતર્યા ફેન્સ; અંજુમ ચોપડાની ટીકાને ગણાવી 'ઇર્ષ્યા અને નફરત'

દુબઈ, તા.૦૭: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઈસ-કેપ્ટન અને સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના હાલમાં પોતાના કરિયરના સુવર્ણકાળમાંથી પસાર થઈ રહી છે. તાજેતરમાં જ મહિલા ક્રિકેટમાં સૌથી વધુ ૧૦,૮૮૦ ઇન્ટરનેશનલ રન અને ૧૮ આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાનો ભવ્ય વિશ્વ વિક્રમ પોતાના નામે કરનાર સ્મૃતિ મંધાના અચાનક એક વિવાદનું કેન્દ્ર બની છે. પાકિસ્તાન સામેની મેચમાં માત્ર ૯ રન બનાવીને એલબીડબલ્યૂ આઉટ થતાં જ ભારતની ભૂતપૂર્વ કેપ્ટન અને વર્તમાન કોમેન્ટેટર અંજુમ ચોપડાએ તેની આકરી ટીકા કરી હતી, જેના કારણે સ્મૃતિના ચાહકો અંજુમ પર ભારે ગુસ્સે ભરાયા છે.

પાકિસ્તાન સામે ભારત માત્ર ૧૦૮ રન જેવા આસાન લક્ષ્યાંકનો પીછો કરી રહ્યું હતું ત્યારે સ્મૃતિ વહેલી આઉટ થઈ ગઈ હતી. લાઈવ કોમેન્ટ્રી દરમિયાન અંજુમ ચોપડાએ કડક શબ્દોમાં કહ્યું હતું કે, "ગયા અઠવાડિયે હોંગકોંગ સામે ૬૪ બોલમાં ૧૨૪ રનની તોફાની સદી ફટકારનાર બેટ્સમેન પોતાની ઇનિંગના પ્રથમ બોલે જ આઉટ થતાં બચે અને પછી સસ્તામાં વિકેટ ગુમાવી દે તે ગંભીર બાબત છે. ટીમ મેનેજમેન્ટે આ બાબત ધ્યાને લેવી જોઈએ." અંજુમની આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર ક્રિકેટચાહકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો.

સ્મૃતિ મંધાનાના ફેન્સે 'એક્સ' (ટ્વિટર) સહિતના પ્લેટફોર્મ પર અંજુમ ચોપડાને આડે હાથ લેતા કહ્યું કે, માત્ર એક જ મેચમાં નિષ્ફળ જવા બદલ કોઈ દિગ્ગજ ખેલાડી સામે આટલી નફરત અને ઇર્ષ્યા દર્શાવવી અયોગ્ય છે. ચાહકોનું કહેવું છે કે સ્મૃતિએ ભારત માટે અસંખ્ય મેચો જીતાડી છે અને એકાદ મેચમાં ફ્લોપ જવાથી તેની ઉપલબ્ધિઓ ઓછી થઈ જતી નથી. સોશિયલ મીડિયા પર ફેન્સ સ્મૃતિને સમર્થન આપી રહ્યા છે અને તેને પોતાની રમતમાં મજબૂત બનીને પુનરાગમન કરવા માટે ઉત્સાહિત કરી રહ્યા છે.

(3:51 PM IST)