<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

મેથ્યુ બ્રીટ્ઝકેની તોફાની સદી અને કેશવ મહારાજની કાતિલ બોલિંગ: દક્ષિણ આફ્રિકાએ પ્રથમ વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને ૬૭ રને કચડીને ૧-૦ની સરસાઈ મેળવી!

૨૯૮ રનના ટાર્ગેટ સામે મિશેલ માર્શની ફિફ્ટી છતાં કાંગારૂ ટીમ ૨૩૦ રનમાં ઓલઆઉટ; માર્કો જેન્સેને પણ ૭૫ રન ફટકાર્યા બાદ શાનદાર કેચ ઝડપી રમત બદલી નાખી

ડરબન, તા.૨૫: ડરબનના કિંગ્સમીડ સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયા સામે સર્વાંગી પ્રદર્શન કરીને ૬૭ રનથી શાનદાર વિજય હાસિલ કર્યો છે. મેથ્યુ બ્રીટ્ઝકેની ૧૧૨ રનની યાદગાર સદી અને સ્પીનર કેશવ મહારાજના માત્ર ૨૦ રનમાં ૪ વિકેટના દિલધડક સ્પેલની મદદથી હોમ ટીમે ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં ૧-૦ની મજબૂત સરસાઈ મેળવી લીધી છે.

 

ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ઓસ્ટ્રેલિયાનો નિર્ણય શરૂઆતમાં સાચો ઠર્યો હતો, જ્યારે જોશ હેઝલવુડે ઓપનર ટોની ડી ઝોર્ઝીને શૂન્ય રને પેવેલિયન ભેગો કર્યો હતો. ક્વાઈન્ટન ડી કોક પણ સસ્તામાં આઉટ થતાં દક્ષિણ આફ્રિકાએ ૨૯ રનમાં ૨ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, એક છેડેથી મેથ્યુ બ્રીટ્ઝકેએ કમાન સંભાળી હતી. તેમણે ટેમ્બા બાવુમા, રાયન રિકલટન અને માર્કો જેન્સેન સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી.

 

જેન્સેનની વિસ્ફોટક આક્રમકતા અને બ્રીટ્ઝકેની સદી

 

મધ્યમ ક્રમમાં બ્રીટ્ઝકે અને માર્કો જેન્સેનની છઠ્ઠી વિકેટની જોડીએ ઓસ્ટ્રેલિયન બોલરો પર વળતો પ્રહાર કર્યો હતો. જેન્સેને માત્ર ૫૯ બોલમાં આક્રમક ૭૫ રન ઝૂડી કાઢ્યા હતા, જેમાં એડમ ઝમ્પા અને નાથન એલિસ સામે મારેલી આકર્ષક સિક્સરો સામેલ હતી. બ્રીટ્ઝકેએ રન-એ-બોલ હિસાબે પોતાની શાનદાર સદી પૂરી કરી (૧૧૨ રન) હતી. આ બેટરોની આક્રમક બેટિંગના દમ પર દક્ષિણ આફ્રિકાએ ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૨૯૭ રનનો પડકારજનક સ્કોર ખડક્યો હતો.

 

મિશેલ માર્શનું તોફાન અને મહારાજનો 'જાદુ'

 

૨૯૮ રનના વિરાટ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે પાવરપ્લેમાં તોફાની શરૂઆત કરી હતી. કેપ્ટન મિશેલ માર્શે આક્રમક બોડી લેંગ્વેજ સાથે માત્ર ૩૫ બોલમાં ૫ સિક્સર સાથે ૬૦ રન ફટકારી દીધા હતા. માર્શ અને ટ્રેવિસ હેડે (૨૬) માત્ર ૯ ઓવરમાં ૮૯ રન ઉમેરીને દક્ષિણ આફ્રિકાને દબાણમાં મૂકી દીધું હતું.

 

પરંતુ સ્પિનર કેશવ મહારાજે પાવરપ્લેની છેલ્લી ઓવરમાં સેટ થઈ ગયેલા માર્શને આઉટ કરીને મેચમાં મોટો ટર્નિંગ પોઈન્ટ આપ્યો હતો. ત્યારબાદ માર્કો જેન્સેને ટ્રેવિસ હેડની વિકેટ ઝડપી હતી.

 

ઓસ્ટ્રેલિયાનો મધ્યમ ક્રમ ધરાશાયી

 

એક સમયે ૧૨૯ રન બનાવી ચૂકેલી ઓસ્ટ્રેલિયન ટીમ પર દક્ષિણ આફ્રિકાના બોલરોએ સંપૂર્ણ શિકંજો કસ્યો હતો. બ્યોર્ન ફોર્ચ્યુને જોશ ઈંગ્લિસ અને કૂપર કોનોલીને પેવેલિયન ભેગા કર્યા, જ્યારે કેશવ મહારાજે કેમેરોન ગ્રીન અને જેક એડવર્ડ્સને સસ્તામાં આઉટ કરીને ઓસ્ટ્રેલિયાનો સ્કોર ૬ વિકેટે ૧૮૯ રન કરી દીધો હતો.

 

મેટ રેનશોએ ૪૪ રન બનાવીને થોડો પ્રતિકાર કર્યો હતો, પરંતુ બાઉન્ડ્રી લાઇન પર માર્કો જેન્સેને એક હાથે અદ્ભુત કેચ ઝડપીને તેની ઇનિંગ્સનો અંત આણ્યો હતો. આખરે ૪૧.૨ ઓવરમાં ૨૩૦ રનના સ્કોર પર ઓસ્ટ્રેલિયાની આખી ટીમ સમેટાઈ ગઈ હતી.

 

સંક્ષિપ્ત સ્કોરબોર્ડ:


 

  • દક્ષિણ આફ્રિકા: ૫૦ ઓવરમાં ૨૯૭/૮ (મેથ્યુ બ્રીટ્ઝકે ૧૧૨, માર્કો જેન્સેન ૭૫; નાથન એલિસ ૩/૫૭, એડમ ઝમ્પા ૨/૫૦)

 

  • ઓસ્ટ્રેલિયા: ૪૧.૨ ઓવરમાં ૨૩૦/૧૦ (મિશેલ માર્શ ૬૦, મેટ રેનશો ૪૪; કેશવ મહારાજ ૪/૨૦, બ્યોર્ન ફોર્ચ્યુન ૨/૩૪)

 

  • પરિણામ: દક્ષિણ આફ્રિકા ૬૭ રને વિજેતા

(5:27 PM IST)