તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 5th November 2026
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની આર્થિક લાલચથી અબુ ધાબી ટી-૧૦ લીગમાં મોટો વિવાદ, પાકિસ્તાની ખેલાડીઓને ટૂર્નામેન્ટમાંથી કરાયા બહાર
એનઓસી આપવાના બદલામાં ફ્રૅન્ચાઇઝીઓ પાસે ખેલાડી દીઠ દસ હજાર ડૉલરની માગણી કરતા આયોજકોએ લીધો કડક નિર્ણય, ફ્રૅન્ચાઇઝી મુશ્કેલીમાં મુકાઈ

અબુ ધાબી : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ના વડા મોહસિન નકવીની નાણાકીય નીતિઓના કારણે પાકિસ્તાની ક્રિકેટ જગતમાં ફરી એકવાર મોટો વિવાદ સર્જાયો છે, જ્યાં આગામી શનિવારથી શરૂ થનારી અબુ ધાબી ટી-૧૦ લીગમાં રમવા માટે જઈ રહેલા પાકિસ્તાની ખેલાડીઓને એનઓસી (નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ) આપવાના બદલામાં બોર્ડ દ્વારા ફ્રૅન્ચાઇઝીઓ પાસેથી પ્રતિ ખેલાડી ૧૦,૦00 ડૉલરની માગણી કરવામાં આવતા આયોજકોએ તમામ પાકિસ્તાની ખેલાડીઓને ટૂર્નામેન્ટમાંથી તગેડી મૂક્યા છે.
આ ઘટનાની વિગતો મુજબ, સામાન્ય રીતે વિદેશી લીગમાં રમવા માટે ખેલાડીના બોર્ડ દ્વારા નિઃશુલ્ક એનઓસી આપવામાં આવતું હોય છે, પરંતુ પીસીબી દ્વારા છેલ્લી ઘડીએ નાણાકીય શરતો લાદવામાં આવતા અબુ ધાબી લીગની ફ્રૅન્ચાઇઝીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ટૂર્નામેન્ટ શરૂ થવામાં માત્ર થોડા જ દિવસો બાકી હોવાથી ફ્રૅન્ચાઇઝીઓ પાસે વૈકલ્પિક ખેલાડીઓની પસંદગી કરવાનો સમય ન રહેતા તેમણે આકરો નિર્ણય લીધો છે અને પાકિસ્તાની ખેલાડીઓને પડતા મૂક્યા છે.
અબુ ધાબીમાં યોજાનારી આ રોમાંચક ટી-૧૦ લીગમાં નસીમ શાહ, શાદાબ ખાન, મોહમ્મદ આમિર, ફખર ઝમાન અને ઇફ્તિખાર અહમદ સહિતના અંદાજે ૧૪ થી ૧૫ નામાંકિત પાકિસ્તાની ખેલાડીઓ વિવિધ ફ્રૅન્ચાઇઝી તરફથી રમવાના હતા, પરંતુ બોર્ડની અડિયલ વલણને કારણે આ તમામ ખેલાડીઓની આંતરરાષ્ટ્રીય લીગમાં રમવાની તક પર પાણી ફરી વળ્યું છે, જેનાથી ખેલાડીઓમાં પણ નારાજગી ફેલાઈ છે.
એક ફ્રૅન્ચાઇઝીના અધિકારીએ પીટીઆઈ સાથેની વાતચીતમાં રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં જ એનઓસીની માંગણી કરવામાં આવી હતી છતાં બોર્ડે અચાનક છેલ્લી ઘડીએ નાણાકીય માંગણીઓ મૂકીને આયોજકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આટલા ટૂંકા સમયમાં નવા ખેલાડીઓનો પ્રબંધ કરવો અશક્ય બનતા ટૂર્નામેન્ટની વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ છે અને ટીમોને આર્થિક નુકસાન પણ સહન કરવું પડી રહ્યું છે.
આ કોઈ પહેલીવાર નથી બન્યું, પરંતુ અગાઉ નેપાળ પ્રીમિયર લીગ તેમજ અમેરિકાની મેજર લીગ ક્રિકેટ અને યુએઈની ઇન્ટરનેશનલ ટી-૨૦ લીગમાં પણ પીસીબી દ્વારા ખેલાડી દીઠ ૨૫,૦૦૦ ડૉલર સુધીની રકમ એનઓસીના બદલામાં માગવામાં આવી હોવાના અહેવાલો સામે આવ્યા હતા, જેના કારણે વૈશ્વિક સ્તરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ભારે બદનામી થઈ રહી છે.
આગામી સમયમાં પીસીબીની આ પ્રકારની નાણાકીય નીતિઓ અને અણઘડ વહીવટને કારણે પાકિસ્તાની ખેલાડીઓને વિદેશી લીગમાં કરાર મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, અને ફ્રૅન્ચાઇઝીઓ પણ ભવિષ્યમાં પાકિસ્તાની ખેલાડીઓને સામેથી ખરીદવાનું ટાળી શકે છે, જે પાકિસ્તાન ક્રિકેટના ભવિષ્ય માટે ચિંતાજનક વિષય બન્યો છે.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
