<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

કમાણીની લાલચ કે ક્રિકેટનો રોમાંચ ? ભારત-પાક. ટક્કર નક્કી કરવા ICC ફોર્મેટ બદલશે!

આગામી વન-ડે અને ટી૨૦ વર્લ્‍ડ કપના નિયમોમાં ધરખમ ફેરફારની તૈયારીઃ આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટ કાઉન્‍સિલ ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરે તેવી શકયતા

નવી દિલ્‍હીઃ વૈશ્વિક ક્રિકેટ જગતમાં ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચેની મેચ હંમેશા કરોડો રૂપિયાની કમાણી અને રેકોર્ડબ્રેક વ્‍યુઅરશિપની ગેરંટી માનવામાં આવે છે. હવે આ જ હાઈ-વોલ્‍ટેજ મેચની ‘‘લાલચ'' અથવા તો આર્થિક ફાયદાને ધ્‍યાનમાં રાખીને આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટ કાઉન્‍સિલ એક બહુ મોટો નિર્ણય લેવાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલો સામે આવ્‍યા છે. ક્રિકેટ ચાહકોને આ બંને કટ્ટર હરીફો વચ્‍ચે વધુને વધુ મેચો જોવા મળે તે માટે આઇસીસી દ્વારા આગામી વન-ડે અને ટી૨૦ વર્લ્‍ડ કપના મૂળભૂત ફોર્મેટમાં જ મોટા ફેરફારો કરવાની યોજના ઘડવામાં આવી રહી છે.

સામાન્‍ય રીતે રાજદ્વારી તણાવને કારણે ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે કોઈ દ્વિપક્ષીય સિરીઝ રમાતી નથી, જેના કારણે ક્રિકેટ રસિયાઓ માત્ર આઇસીસી ટૂર્નામેન્‍ટ્‍સ પર જ નિર્ભર રહે છે. આ પરિસ્‍થિતિનો મહત્તમ વ્‍યાપારી લાભ ઉઠાવવા માટે આઇસીસી એવું ફોર્મેટ તૈયાર કરી રહ્યું છે જેમાં ગમે તે સમીકરણો બને તો પણ ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે ટૂર્નામેન્‍ટની શરૂઆતમાં જ એક મેચ પાકી થઈ જાય. આ આયોજનને કારણે ભવિષ્‍યમાં રમાનારા આઈસીસી વન-ડે વર્લ્‍ડ કપ અને ટી૨૦ વર્લ્‍ડ કપના ગ્રુપ સ્‍ટેજ અથવા નોક-આઉટ સ્‍ટેજના નિયમો સંપૂર્ણપણે બદલાઈ શકે છે. આઇસીસી સત્તાવાર રીતે આ મેગા ફેરફારોની જાહેરાત કરે તે પછી ક્રિકેટ જગતમાં નવો વળાંક જોવા મળી શકે છે.

(10:34 AM IST)