<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

રાજકોટમાં કાંગારૂઓ 217માં ઓલઆઉટ, મોહિત ઉલવાનો ડેબ્યૂમાં જ ધમાકો

ઈશાન ઓમની 5 અને સૌરાષ્ટ્રના મોહિત ઉલવાની 3 વિકેટથી ઓસ્ટ્રેલિયાની ઈનિંગ સમેટાઈ :પ્રથમ દિવસના અંતે ભારત 8/0 : લખ્ષ્ય રાયચંદાણી 8 અને સાગર વિર્ક 0 રને અણનમ

રાજકોટ : નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અંડર-19 યુથની ચાર દિવસીય ટેસ્ટ મેચનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ભારતીય બોલર્સના ધારદાર પ્રદર્શન સામે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ 86.5 ઓવરમાં 217 રનમાં સમેટાઈ ગઈ હતી.
ઓસ્ટ્રેલિયા તરફથી બ્લેક કેટલે 198 બોલમાં 102 રનની શાનદાર સદી ફટકારી હતી, જેમાં 14 ચોગ્ગાનો સમાવેશ થયો હતો. ઝેડ હોલિકે 160 બોલમાં 59 રન બનાવ્યા હતા, જ્યારે ઈલી બ્રેઈન 25 રને અણનમ રહ્યો હતો.
ભારત તરફથી ઈશાન ઓમે 24.5 ઓવરમાં 5 મેડન સાથે 53 રન આપી 5 વિકેટ ઝડપી હતી. સૌરાષ્ટ્રના પ્રતિભાશાળી ઝડપી બોલર મોહિત ઉલવાએ પોતાની યુથ ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરતાં જ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 12 ઓવરમાં 4 મેડન સાથે માત્ર 37 રન આપી 3 વિકેટ ઝડપી હતી. યશવર્ધન ચૌહાણે 2 વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયાને 217 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ભારતે પ્રથમ ઈનિંગની શરૂઆત કરી હતી. દિવસની રમતના અંતે ભારતે 1 ઓવરમાં 8 રન બનાવ્યા હતા અને એકપણ વિકેટ ગુમાવી નહોતી. લખ્ષ્ય રાયચંદાણી 8 રને અને સાગર વિર્ક 0 રને અણનમ રહ્યા હતા.
નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં સૌરાષ્ટ્રના મોહિત ઉલવા માટે ડેબ્યૂ યાદગાર રહ્યું છે. ઘરઆંગણે જ આંતરરાષ્ટ્રીય યુથ ટેસ્ટમાં 3 વિકેટ ઝડપી તેણે પોતાની પ્રતિભાની ઝલક બતાવી છે. હવે મેચના બીજા દિવસે ભારત ઓસ્ટ્રેલિયાના 217 રનને પાછળ છોડવા માટે બેટિંગ કરશે

(7:56 PM IST)