<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

જોર્ડન હર્મનની રેકોર્ડબ્રેક ડેબ્યૂ સદી અને સુબ્રાયનની વિસ્ફોટક બોલિંગ: દક્ષિણ આફ્રિકાએ પ્રથમ વનડેમાં નામિબિયાને ૯૯ રને કચડી શ્રેણીમાં લીડ મેળવી!

નવા નિશાળિયા જોર્ડન હર્મને ૧૫૦ રનની તોફાની ઈનિંગ રમી બનાવી દીધો નવો રેકોર્ડ; DLS પદ્ધતિથી રમાયેલી મેચમાં વરસાદ બાદ દક્ષિણ આફ્રિકાનો આક્રમક વિજય

વિન્ડહોક, તા.10: દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમે પડોશી દેશ નામિબિયા સામેની પ્રથમ પુરુષ વનડે મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ૯૯ રનથી (DLS પદ્ધતિ) ભવ્ય વિજય મેળવ્યો છે. વિન્ડહોકમાં રમાયેલી આ યાદગાર મેચમાં દક્ષિણ આફ્રિકાએ શ્રેણીમાં ૧-૦ ની લીડ મેળવી લીધી છે. ડેબ્યૂ કરનાર યુવા બેટ્સમેન જોર્ડન હર્મને માત્ર ૧૨૬ બોલમાં ૧૭ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૧૫૦ રનની રેકોર્ડબ્રેક સદી ફટકારીને આફ્રિકાનો સ્કોર ૬ વિકેટે ૩૪૮ રન સુધી પહોંચાડ્યો હતો.

 

હર્મન અને ડી જોર્ઝી વચ્ચે ૧૯૦ રનની મજબૂત ભાગીદારી

 

નામિબિયાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ આ નિર્ણય તેમના માટે ભારે સાબિત થયો હતો. ઓપનર કોનોર એસ્ટરહુઇઝેન માત્ર ૧૦ રને આઉટ થયા બાદ, હર્મન અને ટોની ડી જોર્ઝીએ (૭૨ રન) બીજી વિકેટ માટે ૧૯૦ રનની મજબૂત ભાગીદારી નોંધાવી હતી. આ દરમિયાન ૩૦ રને રન-આઉટની અપીલમાંથી ઉગરી ગયેલા હર્મને નામિબિયન બોલરોની આકરી ઝાટકણી કાઢી હતી. અંતિમ ઓવરોમાં કોર્બિન બોશે શાનદાર શૉટ્સ ફટકારીને ટીમના સ્કોરને ૩૪૮ સુધી પહોંચાડ્યો હતો.

 

વરસાદનું વિઘ્ન અને સુબ્રાયનની તોફાની બોલિંગ

 

૩૪૯ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી નામિબિયાની ટીમની શરુઆત ધીમી રહી હતી. મેચ દરમિયાન વરસાદ આવતા DLS પદ્ધતિ મુજબ નામિબિયાને ૩૮ ઓવરમાં ૩૦૧ રનનો નવો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. વરસાદ પછી રમત ફરી શરૂ થતાં જ દક્ષિણ આફ્રિકાના સ્પિનર પ્રિનેલન સુબ્રાયને (૨૯ રનમાં ૪ વિકેટ) અને ક્વેના માફાકાએ (૩૨ રનમાં ૨ વિકેટ) નામિબિયન મધ્યમ ક્રમને તહેસ-નહેસ કરી નાખ્યો હતો. નામિબિયાની ટીમ ૩૧ ઓવરમાં ૮ વિકેટે માત્ર ૧૬૨ રન જ બનાવી શકી હતી અને દક્ષિણ આફ્રિકાએ શાનદાર વિજય પોતાના નામે કર્યો હતો.

 

(4:58 PM IST)