<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

જો રૂટનો ઐતિહાસિક મહા-રેકોર્ડ: સચિન તેંડુલકરનો દાયકા જૂનો કીર્તિમાન ધ્વસ્ત કરી ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ટોચ પર પહોંચ્યો અંગ્રેજ બેટ્સમેન

પાકિસ્તાન સામેની ત્રીજી ટેસ્ટમાં ૬૯મી અડધી સદી ફટકારી સચિનની ૬૮ ફિફ્ટીનો રેકોર્ડ તોડ્યો: ઇંગ્લેન્ડે પાકિસ્તાન સામેની શ્રેણી ૩-૦થી ક્લીન સ્વીપ કરી

બર્મિંગહામ (ઇંગ્લેન્ડ) : ક્રિકેટ જગતના સૌથી મહાન ફોર્મેટ ગણાતા ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન અને પૂર્વ સુકાની જો રૂટે ઇતિહાસ રચી દીધો છે. પાકિસ્તાન સામે એજબાસ્ટન ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં પોતાની કારકિર્દીની ૬૯મી અડધી સદી ફટકારીને રૂટે ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો ૬૮ ટેસ્ટ અડધી સદીનો દાયકા જૂનો મહા-રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે જો રૂટ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

 

પાકિસ્તાન સામેની આ મેચમાં ઇંગ્લેન્ડને જીતવા માટે ૧૩૦ રનનો આસાન લક્ષ્યાંક મળ્યો હતો. સુકાની જો રૂટે શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતાં ૬૧ રન બનાવીને અણનમ રહ્યા હતા અને જોર્ડન કોક્સ (૫૮*) સાથે ત્રીજી વિકેટ માટે ૧૨૮ રનની અણનમ ભાગીદારી નોંધાવીને ઇંગ્લેન્ડને ૮ વિકેટે ભવ્ય વિજય અપાવ્યો હતો. આ વિજય સાથે જ ઇંગ્લેન્ડે ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાનનો ૩-૦થી સફાયો (ક્લીન સ્વીપ) કરી નાખ્યો છે.

 

જો રૂટે અત્યાર સુધી રમેલી ૧૬૯ ટેસ્ટ મેચોની ૩૦૯ ઇનિંગ્સમાં ૬૯ અડધી સદી અને ૪૧ સદી ફટકારી છે. ટેસ્ટમાં સૌથી વધુ અડધી સદીના મામલે હવે રૂટ (૬૯) બાદ સચિન તેંડુલકર (૬૮), શિવનારાયણ ચંદ્રપોલ (૬૬), એલન બોર્ડર (૬૩) અને રાહુલ દ્રવિડ (૬૩) આવે છે.

 

આ રેકોર્ડ સિવાય જો રૂટ હવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પણ સચિન તેંડુલકરની અત્યંત નજીક પહોંચી ગયો છે. સચિન ૨૦૦ ટેસ્ટમાં ૧૫,૯૨૧ રન સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે રૂટ ૧૬૯ ટેસ્ટમાં ૧૪,૨૭૭ રન બનાવી ચૂક્યો છે. સચિનના સર્વોચ્ચ રનના રેકોર્ડને તોડવાથી રૂટ હવે માત્ર ૧,૬૪૪ રન જ દૂર છે. રૂટની વર્તમાન સરસ ફોર્મ જોતાં તે ટૂંક સમયમાં જ આ સિદ્ધિ પણ પોતાના નામે કરે તેવી પૂરી શક્યતા છે.

(7:46 PM IST)