તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
જન્માષ્ટમી 2026 ના પાવન અવસર પર ઋષભ પંત, મનુ ભાકર અને સુરેશ રૈના સહિતના અગ્રણી ખેલ જગતના દિગ્ગજોએ પાઠવી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે વીરેન્દ્ર સેહવાગ, સુરેશ રૈના, મનુ ભાકર અને જય શાહ જેવા દિગ્ગજોએ સોશિયલ મીડિયા પર પોતાના ભક્તિસભર સંદેશાઓ શેર કર્યા છે.

નવી દિલ્હી: દેશભરમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી પર્વ અત્યંત ધાર્મિક ઉત્સાહ, શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ પાવન પ્રસંગે ભારતીય રમતજગતના અનેક જાણીતા સિતારાઓએ દેશ અને દુનિયાના તમામ ભક્તોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટ્સમેન ઋષભ પંત, ઓલિમ્પિક પદક વિજેતા નિશાનેબાજ મનુ ભાકર અને પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના સહિતની મુખ્ય હસ્તીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા જન્માષ્ટમીની બધાઈ આપી હતી. આ ઉપરાંત પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના અધ્યક્ષ જય શાહે પણ વિશેષ સંદેશા શેર કર્યા હતા.
પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર પોતાના અનોખા અંદાજમાં શુભેચ્છાઓ પાઠવતા લખ્યું હતું કે, "હાથી ઘોડા પાલખી, જય કન્હૈયા લાલ કી." તેમણે માખણ જેવી મીઠાશ અને કાનાના રાસ જેવી ઊર્જાથી ભરપૂર જન્માષ્ટમીની શુભકામનાઓ આપી હતી. બીજી તરફ, પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ પણ એક્સ પર એક પોસ્ટ દ્વારા તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવતાં 'રાધે-રાધે' ના ઉચ્ચારણ સાથે પ્રાર્થના કરી હતી કે આ પાવન પર્વ દરેકના જીવનમાં પ્રેમ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે.
ઓલિમ્પિકમાં દેશનું નામ રોશન કરનાર યુવા નિશાનેબાજ મનુ ભાકરે પણ આ પ્રસંગે ભગવાન શ્રીકૃષ્ણના જીવનદર્શન અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે લખ્યું હતું કે, ભગવાન કૃષ્ણ પાસેથી ઘણું શીખી શકાય છે, જેઓ બાળપણમાં ચંચળ અને નટખટ હતા પરંતુ હંમેશા સત્ય અને ધર્મના માર્ગ પર અડગ રહ્યા. તેઓ પ્રેમ, સાહસ અને જ્ઞાનના પ્રતીક હતા. બીજી તરફ, આઈસીસી (ICC) અધ્યક્ષ જય શાહે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, ભગવાન કૃષ્ણ આપણને દરેક પડકારનો સાહસપૂર્વક, દરેક વિજયનો વિનમ્રતાથી અને દરેક યાત્રાનો અટૂટ વિશ્વાસ સાથે સામનો કરવાની પ્રેરણા આપે.
ઉલ્લેખનીય છે કે, જન્માષ્ટમીનો આ પાવન પર્વ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન શ્રીકૃષ્ણના જન્મનું પ્રતીક છે. આ પ્રસંગે મથુરા અને વ્રજભૂમિ સહિત દેશભરના મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના અને મંગળા આરતીના આયોજનો કરવામાં આવ્યા હતા, જ્યાં શ્રદ્ધાળુઓનું વિશાળ મહેરામણ ઉમટી પડ્યું હતું.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
