News of Monday, 22nd June 2026
ટી૨૦ સીરીઝ પૂર્વે આયર્લેન્ડનો મોટો ધડાકો: ભારત સામેની ટક્કર માટે આઇરિશ ટીમની જાહેરાત, સ્ટર્લિંગની જગ્યાએ લોર્કન ટકરને સોંપાઈ કાયમી કેપ્ટનશીપ
ઈજાઓથી ઘેરાયેલી આયર્લેન્ડની ટીમમાં ત્રણ નવા ખેલાડીઓનો સમાવેશ; ૨૦૨૮ના ટી૨૦ વર્લ્ડ કપના રોડમેપ સાથે ભારતના યુવા પાવરહાઉસ સામે હોમ ગ્રાઉન્ડ પર ટકરાશે આઇરિશ ટીમ

ડબ્લિન:ભારત સામે રમાનારી આગામી ટી૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે ક્રિકેટ આયર્લેન્ડે સોમવારે પોતાની ૧૪ સભ્યોની સત્તાવાર ટીમની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાતની સાથે જ આઇરિશ ક્રિકેટ બોર્ડે એક મોટો અને ચોંકાવનારો નિર્ણય લેતા ૨૯ વર્ષીય વિકેટકીપર બેટ્સમેન લોર્કન ટકરને ટી૨૦ ફોર્મેટ માટે ટીમનો નવો કાયમી કેપ્ટન નિયુક્ત કર્યો છે. લોર્કન ટકર અનુભવી પોલ સ્ટર્લિંગનું સ્થાન લેશે, જે હાલમાં ઈજાના કારણે ટીમની બહાર છે. વર્ષ ૨૦૨૮માં યોજાનારા ટી૨૦ વર્લ્ડ કપના લાંબા ગાળાના આયોજન અને રોડમેપને ધ્યાનમાં રાખીને બોર્ડ દ્વારા ટકરને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
છ દિગ્ગજ ખેલાડીઓ ઈજાગ્રસ્ત, ટીમ મુશ્કેલીમાં
ભારત સામેની આ મહત્વની શ્રેણી પહેલા આયર્લેન્ડની ટીમ ઈજાની ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહી છે. ટીમના મુખ્ય છ મજબૂત ખેલાડીઓ ઈજાના કારણે સીરીઝમાંથી બહાર થઈ ગયા છે. જેમાં પોલ સ્ટર્લિંગ (કાફ મસલ ટીયર), માર્ક અડાયર (રેક્ટસ મસલ ટીયર), જોશ લિટલ (સ્ટ્રેસ ફ્રેક્ચર), કર્ટિસ કેમ્ફર (હેન્ડ ફ્રેક્ચર), બેરી મેકકાર્થી (એસીએલ ટીયર) અને જોર્ડન નીલનો સમાવેશ થાય છે. આ સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીના કારણે આઇરિશ ટીમ તદ્દન નવા રંગરૂપમાં જોવા મળશે.
૩ નવા યુવા ચહેરાઓને મળી તક
મુખ્ય ખેલાડીઓની ગેરહાજરી વચ્ચે આયર્લેન્ડની ટીમમાં ત્રણ નવા ખેલાડીઓની એન્ટ્રી થઈ છે. મેથ્યુ હોલાર્ડ અને ડાબોડી ઝડપી બોલર જય મૂંદરાને પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યારે તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ ડેબ્યુ કરનાર રૂબેન વિલ્સનને પણ ટી૨૦ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. કેપ્ટન લોર્કન ટકરે જણાવ્યું હતું કે, ભારત જેવી મજબૂત ટીમ સામે આ યુવા ખેલાડીઓ માટે પોતાનું કૌવત સાબિત કરવાની આ ઉત્તમ તક છે.
ભારત પણ નવા કેપ્ટન અને યુવા બ્રિગેડ સાથે ઉતરશે
આયર્લેન્ડ સામેની આ શ્રેણીથી ભારતીય ક્રિકેટમાં પણ એક નવા યુગની શરૂઆત થઈ રહી છે. ભારતીય ટીમની કમાન સૂર્યકુમાર યાદવના સ્થાને શ્રેયસ અય્યરને સોંપવામાં આવી છે, જ્યારે તિલક વર્મા વાઇસ કેપ્ટન રહેશે. આ શ્રેણીમાં ભારત તરફથી ૧૫ વર્ષના યુવા સનસનાટીભર્યા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પર પણ સૌની નજર રહેશે, જે ભારત તરફથી ડેબ્યુ કરવા માટે તૈયાર છે. આઇરિશ કેપ્ટન ટકરે સ્વીકાર્યું હતું કે આઈપીએલ સ્ટાર્સથી સજ્જ ભારતીય ટીમ સામે ટક્કર લેવી એ મોટો પડકાર રહેશે, પરંતુ તેઓ ભારતની જીતની આશા પર પાણી ફેરવવા માટે સખત મહેનત કરશે.
ભારત સામેની ટી૨૦ સીરીઝ માટે આયર્લેન્ડની સંપૂર્ણ ટીમ:
લોર્કન ટકર (કેપ્ટન અને વિકેટકીપર), રોસ અડાયર, બેન કેલિટ્ઝ, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, સ્ટીફન ડોહેની, મેથ્યુ હમ્ફ્રીઝ, ગેવિન હોઈ, મેથ્યુ હોલાર્ડ, લિયામ મેકકાર્થી, જય મૂંદરા, હેરી ટેક્ટર, ટિમ ટેક્ટર અને રૂબેન વિલ્સન.
(10:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
