તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
વિશ્વ વિજેતા ટીમ ઇન્ડિયાનું નાક કાપતું આયર્લેન્ડ
પ્રસિધ્ધ ક્રિષ્ના રન લુટાવવામાં ‘‘દાતા'' બન્યા ને સ્ટાર બેટરો આયા રામ-ગયા રામઃ એકલા હાથે લડનારા અભિષેકની પચાસી પર ફેરવાયું પાણીઃ કાલે આબરૂ બચાવવા ‘કરો યા મરો' જંગ, વિસ્ફોટક યુવા સનસનાટી વૈભવ સૂર્યવંશીને મળી શકે છે એન્ટ્રી!

બેલફાસ્ટઃઆંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં સદીનો સૌથી મોટો અને નાલેશીભર્યો ઉલટફેર જોવા મળ્યો છે. બેલફાસ્ટ ખાતે રમાયેલી પ્રથમ ટી૨૦ મેચમાં યજમાન આયર્લેન્ડે શાનદાર પ્રદર્શન કરતા વિશ્વ વિજેતા ભારતીય ટીમને ૩૪ રને કારમી ધોબીપછાડ આપી છે. આ ઐતિહાસિક અને શરમજનક હાર સાથે ભારતીય ટીમ બેકફૂટ પર ધકેલાઈ ગઈ છે, જયારે આઇરિશ સિંહોએ મેદાન મારીને ક્રિકેટ ચાહકોને સ્તબ્ધ કરી દીધા છે.
ભારતીય ટીમના કપ્તાન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ આ નિર્ણય આત્મદ્યાતી સાબિત થયો હતો. આયર્લેન્ડના કપ્તાન લોર્કન ટકરે મોરચો સંભાળતા ભારતીય બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી અને શાનદાર અડધી સદી ફટકારી ટીમને ૧૮૨ રનના મજબૂત સ્કોર પર પહોંચાડી દીધી હતી. ભારત તરફથી બોલિંગમાં હર્ષિત રાણાએ પ્રશંસનીય પ્રદર્શન કરતા ૩ વિકેટ ઝડપી હતી, પરંતુ બીજી તરફ પ્રસીધ્ધ ક્રિષ્ના રન લુટાવવામાં ભારે દાતા સાબિત થયા હતા. તેમના મોંદ્યા દાટ સ્પેલનો આયર્લેન્ડના બેટરોએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો.
૧૮૨ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆતથી જ કમર તૂટી ગઈ હતી. ટીમના ધુરંધર બેટરો ક્રિઝ પર માત્ર ‘આયારામ, ગયા રામ'ની ભૂમિકામાં જોવા મળ્યા હતા અને એકપછી એક પેવેલિયન ભેગા થતાં આખો ફ્લોપ શો સાબિત થયો હતો. જોકે, ઓપનર અભિષેક શર્માએ એક છેડો સાચવી રાખીને ૫૦ રનની શાનદાર અને લડાયક ઇનિંગ્સ રમી હતી, પરંતુ સામે છેડેથી કોઈ જ સાથ-સહકાર ન મળતા તેમની આ લડત એળે ગઈ હતી અને સમગ્ર ટીમ લક્ષ્યાંકથી ૩૪ રન દૂર જ અટકી ગઈ હતી.
હવે આવતીકાલે રમાનારી શ્રેણીની અંતિમ ટી૨૦ મેચ ભારત માટે ‘કરો મરો' સમાન બની રહેશે. આબરૂ બચાવવાના આ જંગમાં કપ્તાન શ્રેયસ અય્યર પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર કરે તેવી પ્રબળ સંભાવના છે. ભારતના વિસ્ફોટક અને યુવા સનસનાટી બેટર ‘વૈભવ સૂર્યવંશી'ને કાલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની લોટરી લાગી શકે છે. હવે જોવાનું એ રહેશે કે ભારત કાલે પલટવાર કરીને સીરીઝ સરભર કરી શકે છે કે આઇરિશ ટીમ નવો ઇતિહાસ રચે છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
