<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

IPL માં મોટો ધમાકો: મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને પંજાબ કિંગ્સ સાથે ટ્રેડ કરી અર્શદીપ સિંહને કર્યો ટીમમાં સામેલ

માલિક આકાશ અંબાણીએ હાર્દિકના યોગદાનની સરાહના કરી ભવિષ્ય માટે આપી ખાસ શુભકામનાઓ

મુંબઈ : આઈપીએલ (IPL) જગતમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પંજાબ કિંગ્સ સાથે ટ્રેડ કરી દીધો છે અને તેના બદલામાં ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પોતાની ટીમમાં સામેલ કરી લીધો છે. આ સત્તાવાર ફેરબદલ બાદ મુંબઈ ઈન્ડિયન્સના માલિક આકાશ અંબાણીએ હાર્દિક પંડ્યા પર એક ખેલાડી તેમજ વ્યક્તિ તરીકે ભારે માન વ્યક્ત કરીને તેને ભવિષ્યની મેચો માટે ખાસ શુભેચ્છા પાઠવી છે.

આ નિર્ણય અંગે વાત કરતા આકાશ અંબાણીએ સોશિયલ મીડિયા હેન્ડલ પર જારી નિવેદનમાં જણાવ્યું હતું કે, મુંબઈ ઈન્ડિયન્સ સાથે હાર્દિકે કેટલીક અદ્ભુત પળો વિતાવી છે. તેમણે તેને ક્રિકેટર તરીકે ઊભરતો, ક્રિકેટ જગતમાં પોતાની આગવી ઓળખ બનાવતો અને ત્યારબાદ ટીમનું સુકાન સંભાળતો નજીકથી જોયો છે. મુંબઈની ટીમને હાર્દિકે આપેલું યોગદાન, તેની મેદાન પરની ઊર્જા અને સ્પર્ધાત્મક શક્તિ ટીમ માટે હંમેશાં બહુમૂલ્ય બની રહેશે.

હાર્દિક પંડ્યાએ પોતાના આઈપીએલ કરિયરની કુલ ૧૪૬ મેચોમાંથી ૧૧૫ મેચો મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી છે. રોહિત શર્માના સુકાનીપદ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સે જીતેલા પાંચમાંથી ચાર આઈપીએલ ટાઈટલ્સ (૨૦૧૫, ૨૦૧૭, ૨૦૧૯, ૨૦૨૦) મેળવવામાં હાર્દિકનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું.

આ મોટો ફેરબદલ વર્ષ ૨૦૨૬ની આઈપીએલ સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સના નબળા પ્રદર્શન બાદ સામે આવ્યો છે, જ્યાં હાર્દિકના નેતૃત્વમાં ટીમ ૧૪ માંથી ૧૦ મેચ હારી ગઈ હતી. આ હારના પગલે ટીમ મેનેજમેન્ટે મોટો નિર્ણય લેતા હાર્દિકની વિદાય નક્કી કરી છે અને આગામી સીઝનથી જસપ્રીત બુમરાહની સાથે ફાસ્ટ બોલિંગ આક્રમણમાં અર્શદીપ સિંહની જોડી મુંબઈ ઈન્ડિયન્સમાં જોવા મળશે.

(10:42 PM IST)