<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

IPL 2026 : રાયપુરમાં વિરાટ કોહલીનું ગર્જના કરતું તોફાની શતક : રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કોલકાતા નાઈટ રાઈડર્સને 6 વિકેટે પછાડ્યું

કોહલીના અણનમ 105 રનની મદદથી બેંગલુરુએ 193 રનનો લક્ષ્યાંક 5 બોલ બાકી રહેતા આંબી લીધો : પ્લેઓફની રેસમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB મજબૂત, KKR માટે હવે રાહ મુશ્કેલ

 રાયપુર:  આઈપીએલ 2026 ના 57મા રોમાંચક મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ શાનદાર પ્રદર્શન કરતા કોલકાતા નાઈટ રાઈડર્સને 6 વિકેટે હરાવી પ્લેઓફ તરફ મક્કમ ડગ માંડ્યા છે. રાયપુરના મેદાન પર રમાયેલા આ મેચમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાની ક્લાસિક બેટિંગનો નમૂના પેશ કરતા અણનમ 105 રનની શતકીય ઇનિંગ રમી હતી. બેંગલુરુએ કોલકાતા દ્વારા આપવામાં આવેલ 193 રનનો પડકારજનક લક્ષ્યાંક 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

 

 વિરાટ કોહલીનું શાનદાર શતક અને ટીમની જીત:

લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બેંગલુરુની ટીમની શરૂઆત મધ્યમ રહી હતી. ઓપનર જેકબ બેથલ 15 રન બનાવી કાર્તિક ત્યાગીનો શિકાર બન્યો હતો. જોકે, વિરાટ કોહલીએ એક છેડો સાચવી રાખીને આક્રમક બેટિંગ ચાલુ રાખી હતી. તેને દેવદત્ત પડિકલ (39 રન) નો સારો સાથ મળ્યો હતો. કેપ્ટન રજત પાટીદારે 11 રન અને ટિમ ડેવિડે 2 રનનું યોગદાન આપ્યું હતું. અંત સુધી અણનમ રહેલા કોહલીએ મેચ વિનિંગ સદી ફટકારીને ટીમને જીત અપાવી હતી. આ જીત સાથે બેંગલુરુની ટીમ 11 મેચમાં 7 જીત સાથે 14 પોઈન્ટ મેળવી પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત કરવાના આરે પહોંચી છે.

 

 કોલકાતાનો મજબૂત સ્કોર પણ જીત ન મળી:

અગાઉ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અજિંક્ય રહાણેની કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 192 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. યુવા બેટ્સમેન અંગકૃષ રઘુવંશી આ સિઝનમાં તેના શ્રેષ્ઠ ફોર્મમાં જોવા મળ્યો હતો અને તેણે શાનદાર 71 રન ફટકાર્યા હતા. કેમરન ગ્રીને 32 રન અને રિંકુ સિંહે 29 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી આક્રમક બેટિંગ કરી હતી. બેંગલુરુ તરફથી ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડે મહત્વની વિકેટો ઝડપી હતી.

 

 કેપ્ટન્સી અને પ્લેઓફનું ગણિત:

રજત પાટીદારના નેતૃત્વમાં બેંગલુરુની ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં મજબૂત સ્થિતિમાં છે. બીજી તરફ, સતત ચાર મેચ જીત્યા બાદ કોલકાતાની આ હારથી અજિંક્ય રહાણેની ટીમ માટે પ્લેઓફની સફર મુશ્કેલ બની ગઈ છે. કોલકાતા અત્યારે 10 મેચમાં 4 જીત સાથે 9 પોઈન્ટ ધરાવે છે અને આઠમા ક્રમે છે. રાયપુરમાં રમાયેલી આ મેચમાં વરસાદને કારણે ટોસમાં વિલંબ થયો હતો, પરંતુ મેચ શરૂ થયા બાદ રમતપ્રેમીઓને વિરાટ કોહલીના બેટથી નીકળેલા રનનો જલસો જોવા મળ્યો હતો. 21 વર્ષીય રઘુવંશી માટે આ સિઝન યાદગાર સાબિત થઈ રહી છે કારણ કે તેણે પોતાની ચોથી અર્ધસદી ફટકારી હતી.

(12:30 AM IST)