<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

IPL 2026 : વાનખેડેમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો લહેરાયો વિજયધ્વજ : મુંબઈ ઇન્ડિયન્સ સામે હાઈસ્કોરિંગ મેચમાં 6 વિકેટે શાનદાર જીત

ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માની તોફાની બેટિંગ સામે રાયન રિકલ્ટનનું ઐતિહાસિક શતક એળે ગયું : હૈદરાબાદની સતત પાંચમી જીત જ્યારે મુંબઈનો છઠ્ઠો પરાજય

મુંબઈ:આઈપીએલ 2026 ના 41માં મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદે મુંબઈ ઇન્ડિયન્સને તેમના જ હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં 6 વિકેટે હરાવીને ટૂર્નામેન્ટમાં પોતાની પકડ મજબૂત કરી છે. બુધવારે રમાયેલા આ હાઈસ્કોરિંગ જંગમાં મુંબઈએ મૂકેલા 244 રનના વિશાળ લક્ષ્યાંકને હૈદરાબાદે 18.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને પાર કરી લીધો હતો.

 

રાયન રિકલ્ટનનું રેકોર્ડબ્રેક શતક:

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 243 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. મુંબઈ તરફથી રાયન રિકલ્ટને આક્રમક બેટિંગ કરતા માત્ર 44 બોલમાં શતક ફટકારી મુંબઈ ઇન્ડિયન્સ માટે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેણે 55 બોલમાં 10 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી અણનમ 123 રન બનાવ્યા હતા. વિલ જેક્સે 22 બોલમાં 46 રન અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ 15 બોલમાં 31 રનનું યોગદાન આપ્યું હતું. સૂર્યકુમાર યાદવ માત્ર 5 રન અને નમન ધીર 22 રન બનાવી આઉટ થયા હતા. હૈદરાબાદ તરફથી પ્રફુલ્લ હિંગેએ 2 વિકેટ જ્યારે સાકિબ હુસૈન, નીતીશ કુમાર રેડ્ડી અને ઇશાન મલિંગાએ 1-1 વિકેટ ઝડપી હતી.

 

હૈદરાબાદની આક્રમક વળતી લડત:

244 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદને ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ વિસ્ફોટક શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે માત્ર 129 રનની ભાગીદારી થઈ હતી. પાવરપ્લેની 6 ઓવરમાં જ હૈદરાબાદે 92 રન ઝૂડી કાઢ્યા હતા. ટ્રેવિસ હેડે 30 બોલમાં 76 રનની તોફાની ઇનિંગ રમી હતી, જ્યારે અભિષેક શર્માએ 24 બોલમાં 45 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી એએમ ગજનફરે ઇશાન કિશન અને અભિષેક શર્માને આઉટ કરીને વાપસીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હેનરિક ક્લાસેન અને નીતીશ કુમાર રેડ્ડીએ બાજી સંભાળી લીધી હતી. હૈદરાબાદે 8 બોલ બાકી રહેતા 249 રન બનાવી મેચ જીતી લીધી હતી.

 

ટીમમાં ફેરફાર અને ઈજા:

મુંબઈની ટીમમાં નિયમિત ઓપનર ક્વિન્ટન ડીકોક કાંડાની ઈજાને કારણે રમી શક્યા ન હતા, જ્યારે અનુભવી રોહિત શર્મા હજુ પણ ઈજામાંથી બહાર આવી રહ્યા હોવાથી ટીમની બહાર રહ્યા હતા. તેમના સ્થાને રાયન રિકલ્ટન અને રોબિન મિંજને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ હૈદરાબાદે શિવાંગના સ્થાને હર્ષ દુબેને પ્લેઈંગ ઇલેવનમાં સ્થાન આપ્યું હતું.

 

પ્લેઈંગ ઇલેવન:

  મુંબઈ ઇન્ડિયન્સ: રાયન રિકલ્ટન, વિલ જેક્સ, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોબિન મિંજ, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, એએમ ગજનફર, અશ્વિની કુમાર.

  સનરાઇઝર્સ હૈદરાબાદ: અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન, હેનરિક ક્લાસેન, સલીલ અરોરા, નીતીશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષ દુબે, સાકિબ હુસૈન, પ્રફુલ્લ હિંગે, ઇશાન મલિંગા.

(11:43 PM IST)