તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
IPL 2026 : રિંકૂ સિંહની આક્રમક અડધી સદી અને અંકુલ રોયની ફિનિશીંગ ઇનિંગના જોરે કોલકાતા નાઈટ રાઈડર્સની રાજસ્થાન રોયલ્સ સામે ૪ વિકેટે ભવ્ય જીત
વરુણ ચક્રવર્તી અને કાર્તિક ત્યાગીની ૩-૩ વિકેટની ધારદાર બોલિંગ સામે રાજસ્થાનનો ૧૫૫ રનમાં ધબડકો : બંને ઓપનરો શૂન્યમાં આઉટ થયા બાદ રિંકૂ સિંહે ૩૪ બોલમાં અણનમ ૫૩ રન ફટકારી કેકેઆરને અપાવ્યું રોમાંચક વિજય

રાજકોટ:આઈપીએલ ૨૦૨૬માં રવિવારે રમાયેલા પ્રથમ મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. આ મેચમાં રિંકૂ સિંહની શાનદાર બેટિંગના દમ પર કોલકાતાએ રાજસ્થાનને ૪ વિકેટે હરાવીને મેદાન મારી લીધું છે. ૧૫૬ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમે ૧૯.૪ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૧૬૧ રન બનાવી જીત મેળવી હતી.
રાજસ્થાનની મજબૂત શરૂઆત છતાં મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ:
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમને સલામી બેટ્સમેન યશસ્વી જાયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીએ શાનદાર શરૂઆત અપાવી હતી. આ બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે ૮૧ રનોની ભાગીદારી નોંધાવી હતી. વૈભવ સૂર્યવંશીએ ૨૮ બોલમાં ૪૬ રન અને જાયસ્વાલે ૨૯ બોલમાં ૩૯ રન ફટકાર્યા હતા. જોકે, આ જોડી તૂટ્યા બાદ રાજસ્થાનની ઇનિંગ લથડી હતી. ધ્રુવ જુરેલ (૫ રન), રિયાન પરાગ (૧૨ રન) અને શિમરોન હેટમાયર (૧૫ રન) સસ્તામાં આઉટ થયા હતા. રવીન્દ્ર જાડેજા પણ માત્ર ૯ રન જ બનાવી શક્યો હતો, જેના કારણે ટીમ ૨૦૦ રન સુધી પહોંચી શકી નહોતી. કોલકાતા તરફથી વરુણ ચક્રવર્તી અને કાર્તિક ત્યાગીએ ૩-૩ વિકેટ ઝડપી હતી, જ્યારે સુનિલ નરેને ૨ વિકેટ લીધી હતી.
કોલકાતાની બેડ સ્ટાર્ટ બાદ રિંકૂ સિંહનો જાદુ:
૧૫૬ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ઓપનર ટિમ સેફર્ટ અને અજિંક્ય રહાણે ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન ભેગા થયા હતા. ત્યારબાદ અંગક્રિષ રઘુવંશીએ ૧૦ રન અને કેમેરૂન ગ્રીને ૧૩ બોલમાં ૨૭ રન બનાવી આક્રમક રમત બતાવી હતી. રોવમેન પોવેલે પણ ૨૩ રનનું યોગદાન આપ્યું હતું.
રિંકૂ અને અંકુલ રોયની જોડીએ બાજી પલટી:
એક સમયે મુશ્કેલીમાં દેખાતી કેકેઆરની ઇનિંગને રિંકૂ સિંહ અને અંકુલ રોયે સંભાળી હતી. રિંકૂ સિંહે ૩૪ બોલમાં અણનમ ૫૩ રનની ધાકડ અડધી સદી ફટકારી હતી. જ્યારે અંકુલ રોયે ૧૬ બોલમાં ૨૯ રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. આ જોડીએ અંતિમ ઓવરોમાં બાજી પલટી નાખી હતી અને કોલકાતાને વિજય અપાવ્યો હતો. રાજસ્થાન સામેની આ જીત સાથે કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ ૨૦૨૬માં પોતાની પકડ મજબૂત કરી છે.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
