તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Monday, 11th May 2026
આઈપીએલ 2026 માં પંજાબ કિંગ્સના ઓપનર પ્રિયાંશ આર્યએ ધમાકેદાર બેટિંગ કરીને ક્રિકેટ જગતને ચોકાવ્યું
દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં પ્રથમ બોલે જ સિક્સ ફટકારીને તેણે ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું:પંજાબે પ્રથમ ઓવરમાં ૨૨ રન બનાવીને પોતાનો જ જૂનો રેકોર્ડ તોડ્યો

આઈપીએલ 2026માં અત્યારે સૌથી વિસ્ફોટક ઓપનિંગ જોડી તરીકે પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહ ઉભરી આવ્યા છે. ધર્મશાલાના મેદાન પર દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં આ બંને બેટ્સમેનોએ પ્રથમ ઓવરમાં જ રનનો વરસાદ કરી નવો ઇતિહાસ રચી દીધો છે. પંજાબ કિંગ્સે દિલ્હીના સ્ટાર બોલર મિચેલ સ્ટાર્કની ઓવરમાં જ ૨૨ રન ઝૂડી કાઢ્યા હતા.
આઈપીએલના ઈતિહાસમાં પંજાબ કિંગ્સે પ્રથમ વખત પહેલી ઓવરમાં આટલા મોટા પ્રમાણમાં રન બનાવ્યા છે. આ અગાઉ આ જ સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે વાનખેડે સ્ટેડિયમમાં તેમણે ૨૧ રન બનાવ્યા હતા, જે રેકોર્ડ આજે તૂટી ગયો છે. જોકે, ઓવરઓલ આઈપીએલમાં પ્રથમ ઓવરમાં સૌથી વધુ ૨૬ રન બનાવવાનો રેકોર્ડ હજુ પણ રાજસ્થાન રોયલ્સના નામે છે.
આ મેચમાં પ્રિયાંશ આર્યએ એક એવો રેકોર્ડ બનાવ્યો જે અત્યાર સુધી દુનિયાનો કોઈ બેટ્સમેન કરી શક્યો નથી. આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર પાંચ વખત એવું બન્યું હતું કે જ્યારે કોઈ બેટ્સમેને મેચના પહેલા જ બોલે સિક્સર ફટકારી હોય. પ્રિયાંશ આર્ય હવે દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બની ગયો છે જેણે બે વાર આ પરાક્રમ કર્યું છે. તેણે અગાઉ ૨૦૨૫માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પણ પ્રથમ બોલે સિક્સ ફટકારી હતી.
દિલ્હી કેપિટલ્સ માટે આ ઓવર શરમજનક સાબિત થઈ હતી. આઈપીએલના ઈતિહાસમાં દિલ્હીએ બીજી વખત પહેલી જ ઓવરમાં ૨૦થી વધુ રન આપ્યા છે. મિચેલ સ્ટાર્ક જેવા અનુભવી બોલર સામે પંજાબના યુવા બેટ્સમેનોએ જે રીતે બેટિંગ કરી તે જોઈને ક્રિકેટ ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
(10:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
