News of Saturday, 9th May 2026
IPL 2026: ખેલાડીઓની 'રીલ્સ' પર BCCIનો મોટો હથોડો, મેદાનની અંદર વીડિયો શૂટ કરવા પર લાગ્યો પ્રતિબંધ; હવે નિયમ તોડનારા સ્ટાર પ્લેયર્સની ખેર નથી!
વ્યૂહરચના અને ખાનગી માહિતી લીક થવાના ડરથી બોર્ડ એક્શન મોડમાં; પૂર્વ ખેલાડીઓ, કોમેન્ટેટર્સ અને ખેલાડીઓના પરિવારજનોને પણ કડક ચેતવણી સાથે નોટિસ ફટકારાઈ

મુંબઈ : આઈપીએલ ૨૦૨૬નો રોમાંચ ચરમસીમાએ છે અને અત્યાર સુધીમાં ૫૧ જેટલી મેચો રમાઈ ચૂકી છે. જોકે, મેદાન પરના ચોગ્ગા-છગ્ગા વચ્ચે હવે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) એ સોશિયલ મીડિયા પર વધતી જતી પ્રવૃત્તિઓ અને 'રીલ કલ્ચર' (Reels Culture) સામે લાલ આંખ કરી છે. બોર્ડ દ્વારા ખેલાડીઓ અને સ્ટાફ માટે સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે નવા અને કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.
કેમ લેવો પડ્યો આ મોટો નિર્ણય?
BCCIના અધિકારીઓને શંકા છે કે ખેલાડીઓ દ્વારા બનાવવામાં આવતા પડદા પાછળના (Behind the scenes) વીડિયો અને રીલ્સના માધ્યમથી ટીમની ગુપ્ત વ્યૂહરચના અને ખાનગી માહિતી લીક થઈ શકે તેમ છે. મેચના દિવસે સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા ટીમ સિલેક્શન કે રણનીતિના સંકેતો દુશ્મન ટીમો સુધી પહોંચી જવાની આશંકાને પગલે બોર્ડે આ કડક નિર્ણય લીધો છે. હાલમાં જ કેટલાક ખેલાડીઓ મેચ શરૂ થતા પહેલા અને પૂર્ણ થયાના તુરંત બાદ વીડિયો પોસ્ટ કરતા જોવા મળ્યા હતા, જેને બોર્ડે ગંભીરતાથી લીધું છે.
પૂર્વ ખેલાડીઓ અને કોમેન્ટેટર્સ પણ સકંજામાં
આ કાર્યવાહી માત્ર વર્તમાન ખેલાડીઓ પૂરતી મર્યાદિત નથી. બોર્ડે બ્રોડકાસ્ટિંગ વિભાગમાં કામ કરતા પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને કોમેન્ટેટર્સ પર પણ નજર રાખી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એક પૂર્વ ખેલાડી ડગઆઉટ પાસે વીડિયો બનાવતા પકડાયા હતા, જ્યારે અન્ય એક પૂર્વ ક્રિકેટર પોતાની યુટ્યુબ ચેનલ માટે શૂટિંગ કરતા ઝડપાયા હતા. આ તમામ વિરુદ્ધ કાયદેસરની નોટિસ મોકલવાની તૈયારીઓ પણ હાથ ધરાઈ છે.
પરિવારજનો માટે પણ એડવાઈઝરી જાહેર
ખેલાડીઓની સાથે તેમના પરિવાર અને સંબંધીઓને પણ સ્ટેડિયમ કે ટીમ ટ્રાવેલ દરમિયાન ફોટા કે વીડિયો પોસ્ટ ન કરવા માટે સલાહ આપવામાં આવી છે. અગાઉ એક ક્રિકેટરની પત્નીને ભારતીય ખેલાડીઓની જીવનશૈલી બતાવવા બદલ ચેતવણી મળી ચૂકી છે. હવેથી ટીમ ટ્રાવેલ દરમિયાન સોશિયલ મીડિયાનો ઉપયોગ મર્યાદિત રાખવા અને નિયમોનું ચુસ્ત પાલન કરવા ખેલાડીઓને કડક સૂચના આપવામાં આવી છે.
(9:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
