News of Sunday, 3rd May 2026
IPL 2026 : રોમાંચક જંગમાં ગુજરાત ટાઇટન્સે ટેબલ ટોપર પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું : છેલ્લી ઓવરમાં આવ્યો મેચનો ફેંસલો
મોહમ્મદ સિરાજની ઘાતક બોલિંગ બાદ સૂર્યાંશ શેડગેની 57 રનની લડાયક ઇનિંગ નિષ્ફળ : છેલ્લી ઘડી સુધી રસાકસી બાદ ગુજરાતે 164 રનનો લક્ષ્યાંક એક બોલ બાકી રહેતા હાંસલ કર્યો

અમદાવાદ:IPL 2026ના 46મા મુકાબલામાં રવિવારે નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ઘરઆંગણે રમતા ગુજરાતે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી પંજાબ કિંગ્સને 4 વિકેટે પરાજય આપી સીઝનની છઠ્ઠી જીત નોંધાવી છે. 164 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમે 19.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 167 રન બનાવી વિજય મેળવ્યો હતો.
પંજાબની નબળી શરૂઆત અને સૂર્યાંશનો સંઘર્ષ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. મોહમ્મદ સિરાજે પ્રથમ ઓવરમાં જ પ્રિયાંશ આર્ય (2) અને કૂપર કોનલી (0) ને આઉટ કરીને પંજાબને બેકફૂટ પર ધકેલી દીધું હતું. જોકે સિરાજ હેટ્રિક લેવાથી ચૂકી ગયો હતો. કેપ્ટન શ્રેયસ અય્યર પણ માત્ર 19 રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો. એક સમયે મુશ્કેલીમાં દેખાતી પંજાબની ઇનિંગને સૂર્યાંશ શેડગેએ સંભાળી હતી. સૂર્યાંશે માત્ર 29 બોલમાં 3 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 57 રનની તોફાની ઇનિંગ રમી હતી. માર્કસ સ્ટોઈનિસે પણ 40 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું, જેના કારણે પંજાબે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 163 રન બનાવ્યા હતા.
છેલ્લા બોલ સુધી રોમાંચ અને ગુજરાતની જીત
164 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમમાં કેપ્ટન શુભમન ગીલ અને સાઈ સુદર્શનની જોડીએ મક્કમ શરૂઆત કરી હતી. પંજાબના બોલરોએ મેચને અંતિમ ઓવર સુધી ખેંચી જવામાં સફળતા મેળવી હતી, પરંતુ ગુજરાતે એક બોલ બાકી રહેતા લક્ષ્યાંક મેળવી લીધો હતો. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સ 10 મેચમાં 6 જીત સાથે ટેબલમાં પાંચમા ક્રમે યથાવત છે. બીજી તરફ, શાનદાર ફોર્મમાં ચાલી રહેલી પંજાબ કિંગ્સની આ સીઝનની માત્ર બીજી હાર છે, છતાં તેઓ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને જળવાઈ રહ્યા છે.
બંને ટીમોની પ્લેઈંગ ઇલેવન
ગુજરાત ટાઇટન્સ: શુભમન ગીલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નિશાંત સિંધુ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, અર્શદ ખાન, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, માનવ સુથાર.
પંજાબ કિંગ્સ: પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, કૂપર કોનલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), માર્કસ સ્ટોઈનિસ, સૂર્યાંશ શેડગે, નેહાલ વઢેરા, માર્કો જેન્સન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
