News of Sunday, 31st May 2026
IPL 2026 મહાફાઇનલ ટ્વિસ્ટ: વિરાટ કોહલી સામે હોલ્ડરનો પડકાર, કેપ્ટન શુભમન ગિલે ફિલ્ડિંગની મોટી ભૂલ સુધારવી પડશે
અમદાવાદની પ્રખ્યાત #૬ પીચ પર ટ્રોફી માટે આરસીબી અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મહામુકાબલો; પાવરપ્લે અને કેચ ડ્રોપ ફેક્ટર જીત-હાર નક્કી કરશે.

અમદાવાદ, ૩૧ મે: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૬ માં ૬૪ દિવસના લાંબા સંઘર્ષ અને ૭૩ મેચોના રોમાંચ બાદ આજે કિંગ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને શુભમન ગિલની ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મહાફાઇનલ જંગ ખેલાશે. આ સીઝનની બે સર્વશ્રેષ્ઠ ટીમો વચ્ચેનો આ મુકાબલો સ્ટેડિયમની ખાસ પિચ નંબર ૬ પર રમાવા જઈ રહ્યો છે, જ્યાં આ સીઝનનો સરેરાશ સ્કોર ૧૯૯ રન રહ્યો છે. આ મેદાન પર છેલ્લી બંને મેચમાં લક્ષ્યનો પીછો કરનારી ટીમો વિજેતા બની હોવા છતાં, એકંદરે પહેલા બેટિંગ કરનારી ટીમોનો ટ્રેક રેકોર્ડ અહી મજબૂત રહ્યો છે.
બંને ટીમો આ સીઝનનું સૌથી ઘાતક અને આક્રમક બોલિંગ આક્રમણ ધરાવે છે, જેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આરસીબી અને ગુજરાત બંનેએ પાવરપ્લે ઓવરોમાં ૩૩-૩૩ વિકેટ ઝડપીને વિરોધી ટીમોની કમર તોડી છે. આ હાઈ-વોલ્ટેજ ફાઇનલમાં બેટ્સમેનોએ પીચ પર સ્થિર ઊભા રહેવાને બદલે સતત ફૂટવર્કનો ઉપયોગ કરવો પડશે, કારણ કે મે મહિનામાં આ પીચનો બિલકુલ ઉપયોગ ન થયો હોવાથી શરૂઆતની ઓવરોમાં ઝડપી બોલરોને પિચ પરથી અણધારી સ્વિગ અને સારો બાઉન્સ મળવાની પ્રબળ શક્યતા જોવા મળી રહી છે.
સ્પોર્ટ્સ એનાલિસ્ટ્સના મતે, ભલે કિંગ વિરાટ કોહલીનું ફોર્મ કગિસો રબાડા સામે શાનદાર રહ્યું હોય, પરંતુ ફાઇનલમાં ગુજરાતનો જેસન હોલ્ડર તેમના માટે સૌથી મોટો કાળ સાબિત થઈ શકે છે. મધ્યમ ઓવરોમાં હોલ્ડરની વધારાની હાઇટ અને ઘાતક શોર્ટ પિચ બોલિંગ કરવાની ક્ષમતા કોહલીને રન બનાવતા રોકી શકે છે. બીજી તરફ, આરસીબીના રજત પાટીદારને રોકવા માટે ગુજરાતે વિશેષ વ્યુહરચના ઘડવી પડશે, જે મિડલ ઓવર્સમાં ૨૦૪ અને ડેથ ઓવર્સમાં ૨૪૯ના વિસ્ફોટક સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહ્યો છે. તેને અંકુશમાં રાખવા ગિલ માનવ સુથાર કે સાઈ કિશોર જેવા સ્પિનરોનો ઉપયોગ કરી શકે છે.
ગુજરાત ટાઇટન્સ માટે ઓપનિંગ જોડીને ક્રિઝ પર ટકાવી રાખવી એ જ ફાઇનલમાં મજબૂત સ્થિતિ મેળવવાનો એકમાત્ર રસ્તો છે, કારણ કે આરસીબીનો ભુવનેશ્વર કુમાર પોતાની સ્વિંગ બોલિંગથી શુભમન ગિલ અને જોશ બટલર બંનેને શરૂઆતમાં જ મુશ્કેલીમાં મૂકી શકે છે. આ ઉપરાંત, ચાલુ સીઝનમાં ગુજરાતની ટીમે ફિલ્ડિંગમાં અત્યાર સુધીમાં ૨૬ કેચ છોડ્યા છે, જે તેમના માટે ખુબ મોંઘા સાબિત થયા છે. ફાઇનલ જેવી કરોડોની મેચમાં ફિલ્ડિંગની આવી નાની બેદરકારી કે આરસીબીના ટોપ ઓર્ડરને મળેલું એકાદું જીવનદાન પણ ગુજરાતને ખિતાબથી દુર ધકેલી શકે છે.
પિચ ક્યુરેટરના સત્તાવાર અહેવાલ મુજબ, ટોસ જીતનારી ટીમ પિચના તાજા મિજાજનો લાભ લેવા માટે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે. ફાઇનલ મેચ પૂર્ણ થયા બાદ સ્ટેડિયમમાં ભવ્ય ક્લોઝિંગ સેરેમની યોજાશે, જેમાં વિજેતા ટીમને ચમકતી આઇપીએલ ટ્રોફી સાથે ₹૨૦ કરોડ અને રનરઅપને ₹૧૩ કરોડની ઇનામી રકમ એનાયત કરવામાં આવશે. હાલમાં બંને ટીમના કેપ્ટનોએ આ જોખમી ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને પોતાની અંતિમ પ્લેઈંગ ઈલેવન તૈયાર કરી લીધી છે અને હવે આખી દુનિયાની નજર આ સદીના મહામુકાબલાના પરિણામ પર ટકેલી છે.
(12:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
