News of Sunday, 31st May 2026
IPL 2026 ફાઇનલ: બેંગલુરુમાં વિજયી જશ્ન પર કડક પ્રતિબંધ, ચિન્નાસ્વામી સ્ટેડિયમની ગંભીર હોનારતમાંથી પોલીસે લીધો પાઠ
કાયદો અને વ્યવસ્થા જાળવવા રસ્તાઓ પર ભીડ કરવા અને ફટાકડા ફોડવા પર રોક, સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ કરનારાઓ સામે થશે કાયદેસરની કાર્યવાહી

બેંગલુરુ, ૩૧ મે:અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રમાનારી IPL 2026ની હાઈ-વોલ્ટેજ ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) આમને-સામને ટકરાશે. જોકે, આ મહામુકાબલાના થોડા કલાકો પહેલા જ બેંગલુરુ પોલીસે કાયદો, વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે આખા શહેરમાં ચાહકોના વિજયી જશ્ન અને જાહેરમાં એકઠા થવા પર કડક પ્રતિબંધો લાદતી એડવાઇઝરી જારી કરી છે.
સત્તાવાર અહેવાલો અનુસાર, પોલીસે સ્પષ્ટ સૂચના આપી છે કે મેચ બાદ રસ્તાઓ પર વિજય સરઘસ કાઢવા, ફટાકડા ફોડવા કે મોટી સંખ્યામાં ભીડ એકત્ર કરવા પર સંપૂર્ણ મનાઈ રહેશે. આ વખતે માત્ર રસ્તાઓ જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પણ પોલીસની કડક દેખરેખ હેઠળ રહેશે. વિરોધી ટીમના સમર્થકોની મજાક ઉડાવતી, અફવા ફેલાવતી કે દ્વેષપૂર્ણ કન્ટેન્ટ શેર કરનારા ચાહકો સામે પોલીસ તુરંત કાયદેસરના પગલાં ભરશે.
પોલીસ પ્રશાસનનું માનવું છે કે જો RCB સતત બીજી વાર ટાઇટલ જીતશે, તો આખા શહેરમાં બેકાબૂ ભીડ ઉમટી શકે છે, જે ઓનલાઇન વિવાદોને ઓફલાઇન હિંસામાં બદલી શકે છે. આજના આ મહાસંગ્રામ માટે બંને ટીમો સજ્જ છે:
-
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: રજત પાટીદાર (કેપ્ટન), વિરાટ કોહલી, ટિમ ડેવિડ, ક્રુણાલ પંડ્યા અને જોશ હેઝલવુડ જેવા દિગ્ગજો.
-
ગુજરાત ટાઇટન્સઃ શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, મોહમ્મદ સિરાજ, કાગીસો રબાડા અને રાશિદ ખાન જેવા ધુરંધરો.
પોલીસ કમિશનરની કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા વર્ષની દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને આ કડક પગલાં લેવા પડ્યા છે. ૨૦૨૫ની સીઝનમાં જ્યારે RCBએ તેનું પ્રથમ ટાઇટલ જીત્યું, ત્યારે ૪ જૂન, ૨૦૨૫ના રોજ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર વિજયી જશ્ન દરમિયાન ભારે નાસભાગ (ભાગદોડ) મચી ગઈ હતી, જેમાં ૧૧ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
ભૂતકાળની એ ગંભીર હોનારતમાંથી પાઠ ભણીને બેંગલુરુ પોલીસે અત્યારથી જ સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દીધો છે. પોલીસ પ્રશાસને તમામ ક્રિકેટ પ્રેમીઓને અપીલ કરી છે કે તેઓ મેચનો આનંદ માણે પરંતુ કાયદાની મર્યાદામાં રહીને શાંતિપૂર્ણ રીતે જશ્ન મનાવે, જેથી ગત વર્ષ જેવી અપ્રિય ઘટનાનું પુનરાવર્તન ન થાય.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
