News of Sunday, 19th April 2026
IPL 2026: KKR માટે 'કરો યા મરો' જંગ, શું આજે રાજસ્થાન સામે જીતનું ખાતું ખુલશે?
કોલકાતા નાઈટ રાઈડર્સ આજે ઇડન ગાર્ડન્સ ખાતે પોતાની પ્રથમ જીતની શોધમાં ઉતરશે, સામે છે ફોર્મમાં રહેલી રાજસ્થાન રોયલ્સ

કોલકાતા: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૬માં આજે રવિવારે એક રોમાંચક મુકાબલો ખેલાશે. હોમ ગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સ પર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે રાજસ્થાન રોયલ્સ (RR) ની ટીમ ટકરાશે. એક તરફ KKR છે જે હજુ સુધી ટૂર્નામેન્ટમાં એક પણ જીત મેળવી શકી નથી, તો બીજી તરફ RR છે જે શાનદાર ફોર્મમાં આગળ વધી રહી છે.
KKR માટે ચિંતાનો વિષય: શું બદલાશે નસીબ?
KKR માટે આ સિઝન અત્યાર સુધી ખૂબ જ નિરાશાજનક રહી છે. ટીમે અત્યાર સુધી ૬ મેચ રમી છે, જેમાં ૫ માં હારનો સામનો કરવો પડ્યો છે અને એક મેચ વરસાદને કારણે રદ થતા માત્ર ૧ પોઈન્ટ મળ્યો છે. ટીમની સૌથી મોટી સમસ્યા સાતત્યનો અભાવ છે. બેટિંગ ઓર્ડરમાં અનિશ્ચિતતા અને બોલિંગ તથા ફિલ્ડિંગમાં નબળાઈને કારણે ટીમ સતત મુશ્કેલીમાં મુકાઈ રહી છે. આજે ઇડન ગાર્ડન્સમાં જીત મેળવવા માટે કેપ્ટન અજિંક્ય રહાણેએ ટીમની રણનીતિ અને પ્લેઈંગ-૧૧માં મોટા ફેરફાર કરવા પડશે.
રાજસ્થાન રોયલ્સ: અજેય ગતિ સાથે આગળ
બીજી તરફ, રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન અત્યાર સુધી કાબિલે તારીફ રહ્યું છે. ૫ માંથી ૪ મેચ જીતીને ૮ પોઈન્ટ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને બિરાજમાન છે. વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ અને ધ્રુવ જુરેલની બેટિંગ તેમજ જોફ્રા આર્ચર, નાંદ્રે બર્ગર અને રવિ બિશ્નોઈની ઘાતક બોલિંગે ટીમને મજબૂત બનાવી છે. જોકે, છેલ્લા મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મળેલી હાર બાદ RR આજે ફરી વિજયી લય મેળવવા માટે આતુર હશે.
મેચ અને હવામાનની સ્થિતિ
વેન્યુ: ઇડન ગાર્ડન્સ, કોલકાતા (બેટિંગ માટે અનુકૂળ પીચ)
હવામાન: વરસાદની કોઈ આગાહી નથી, વાતાવરણ ભેજવાળું રહેશે.
તાપમાન: ૩૫ થી ૩૬ ડિગ્રી સેલ્સિયસની આસપાસ.
હેડ-ટુ-હેડ આંકડા: અત્યાર સુધી બંને ટીમો વચ્ચે ૩૨ મેચ રમાઈ છે, જેમાં KKR ૧૬ અને RR ૧૪ મેચ જીત્યું છે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-૧૧
| ટીમ | સંભવિત ખેલાડીઓ |
| કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) | અજિંક્ય રહાણે (કેપ્ટન), ટિમ સીફર્ટ (વિકેટકીપર), અંગક્રિશ રઘુવંશી, કેમેરોન ગ્રીન, રોવમેન પોવેલ, રિંકુ સિંહ, અનુકુલ રોય, રમનદીપ સિંહ, સુનીલ નારાયણ, કાર્તિક ત્યાગી, વરુણ ચક્રવર્તી. |
| રાજસ્થાન રોયલ્સ (RR) | યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવિન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, રવિ બિશ્નોઈ, નંદ્રે બર્ગર, તુષાર દેશપાંડે.
(12:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
