તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th April 2026
IPL 2026: અમ્પાયર સાથે જીભાજોડી નીતીશ રાણાને પડી ભારે, ચેન્નાઈની પ્રથમ જીત પર વિવાદનું ગ્રહણ
દિલ્હી કેપિટલ્સ સામેની રોમાંચક મેચમાં અમ્પાયરના નિર્ણયથી ભડક્યો રાણા: ટ્રિસ્ટન સ્ટબ્સે ગુસ્સામાં હેલ્મેટ અને બેટ ફેંક્યું, મેચ ફીના 25 ટકા દંડ સાથે ડિમેરિટ પોઈન્ટ ફટકારાયો અને કેપ્ટન ગાયકવાડ પણ દંડની ઝપેટમાં

ચેન્નાઈ:આઈપીએલ 2026ની સિઝનમાં સતત ત્રણ પરાજય બાદ ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને હરાવીને જીતનું ખાતું તો ખોલ્યું, પરંતુ આ મેચ રમત કરતા વિવાદોને કારણે વધુ ચર્ચામાં રહી છે. દિલ્હીની ઈનિંગ દરમિયાન 19મી ઓવરમાં જ્યારે ટ્રિસ્ટન સ્ટબ્સે પરસેવાથી ભીના થયેલા ગ્લોવ્ઝ બદલવાની પરવાનગી માંગી, ત્યારે ચોથા અમ્પાયરે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. આ નિર્ણયથી દિલ્હી કેમ્પમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને નીતીશ રાણા અમ્પાયર સાથે ઉગ્ર દલીલો પર ઉતરી આવ્યો હતો. રાણાનું કહેવું હતું કે ભીના ગ્લોવ્ઝથી બેટ્સમેનની પકડ નબળી પડે છે જે સુરક્ષાની દૃષ્ટિએ જોખમી છે, પરંતુ અમ્પાયરે પોતાની જિદ્દ ન છોડતા મેદાન પર હાઈ-વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.
અમ્પાયરના નકારાત્મક વલણ બાદ ટ્રિસ્ટન સ્ટબ્સ પેવેલિયન પરત ફરતી વખતે પોતાના ગુસ્સા પર કાબૂ રાખી શક્યો નહોતો. જેમી ઓવરટનની ઓવરમાં આઉટ થયા બાદ તેણે મેદાન પર જ બેટ અને ગ્લોવ્ઝ પછાડ્યા હતા અને ડ્રેસિંગ રૂમ તરફ જતી વખતે હેલ્મેટ ફેંકીને પોતાની હતાશા વ્યક્ત કરી હતી. આ વર્તણૂક અને અમ્પાયર સાથેની ગેરશિસ્તને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે ગંભીરતાથી લીધી છે. નીતીશ રાણાને આઈપીએલ આચારસંહિતાના લેવલ-1 ના ઉલ્લંઘન બદલ મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. રાણાએ મેચ રેફરી સમક્ષ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે, જેના પગલે તેને ડિમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે.
માત્ર નીતીશ રાણા જ નહીં, ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રુતુરાજ ગાયકવાડ પર પણ દંડની ગાજ પડી છે. દિલ્હી સામેની મેચમાં ચેન્નાઈની ટીમે નિર્ધારિત સમય મર્યાદામાં ઓવરો પૂર્ણ ન કરતા સ્લો ઓવર-રેટના કારણે ગાયકવાડને ₹12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ચેન્નાઈએ ભલે મેદાન પર શ્રેષ્ઠ દેખાવ કરીને વિજય મેળવ્યો હોય, પરંતુ ખેલાડીઓની શિસ્તહિનતા અને વહીવટી દંડને કારણે મેનેજમેન્ટ માટે આ જીત થોડી કડવી સાબિત થઈ છે. હવે આગામી મેચોમાં ખેલાડીઓએ પોતાના વર્તન અને સમય પાલન પર વધુ ધ્યાન આપવું પડશે તે સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
(12:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
