News of Saturday, 11th April 2026
આઈપીએલ 2026: ચેપોકમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો ભવ્ય વિજય, સંજુ સેમસનની શાનદાર સદીથી દિલ્હી કેપિટલ્સને 23 રને આપી માત: 6 હારનો સિલસિલો તોડી જીતનું ખાતું ખોલ્યું
સેમસનના અણનમ 115 અને આયુષ મ્હાત્રેની અડધી સદીથી ચેન્નાઈએ ખડક્યો 212 રનનો ડુંગર: ટ્રિસ્ટન સ્ટબ્સની લડાયક ઇનિંગ છતાં દિલ્હી 189 રને ઓલઆઉટ, ગાયકવાડની સેનાએ સિઝનનો પ્રથમ સ્વાદ ચાખ્યો

ચેન્નાઈ:આઈપીએલ 2026 માં ચેન્નાઈ સુપર કિંગ્સે આખરે પોતાના ઘરઆંગણે ચેપોક સ્ટેડિયમમાં જીતનો સ્વાદ ચાખ્યો છે. દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલા રોમાંચક મુકાબલામાં ચેન્નાઈએ 23 રને વિજય મેળવીને ટુર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીત નોંધાવી છે. આ જીત સાથે ચેન્નાઈના મેદાન પર સતત 6 હારના 'કલંક' ને પણ ભૂંસી નાખવામાં સફળતા મળી છે.
સંજુ સેમસનનું શાનદાર પુનરાગમન:
રાજસ્થાન રોયલ્સમાંથી ચેન્નાઈમાં આવેલા સંજુ સેમસને અગાઉના ત્રણ મેચોના ફ્લોપ શો બાદ ટીકાકારોને બેટથી જવાબ આપ્યો છે. સેમસને માત્ર 52 દડામાં 14 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 115 રન ફટકાર્યા હતા. આ સેમસનની આઈપીએલ કારકિર્દીની ચોથી અને સીએસકે માટે પ્રથમ સદી છે. તેની આક્રમક બેટિંગના દમ પર ચેન્નાઈએ 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 212 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
યુવા આયુષ મ્હાત્રે અને કપ્તાન ગાયકવાડ:
સેમસન સાથે યુવા બેટર આયુષ મ્હાત્રેએ પણ તોફાની બેટિંગ કરી હતી. આયુષે 27 દડામાં 59 રન બનાવીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી હતી, જોકે તે રિટાયર્ડ આઉટ થયો હતો. સેમસન અને આયુષ વચ્ચે બીજી વિકેટ માટે 67 દડામાં 113 રનની ભાગીદારી થઈ હતી. બીજી તરફ કપ્તાન રુતુરાજ ગાયકવાડ ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો અને માત્ર 15 રન બનાવી અક્ષર પટેલનો શિકાર બન્યો હતો.
દિલ્હીની લડત અને બોલરોનો પ્રહાર:
213 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત નબળી રહી હતી. પથુમ નિસાંકાએ 41 રન બનાવી આક્રમક શરૂઆત કરી હતી, પરંતુ અંશુલ કંબોજે તેને પેવેલિયન ભેગો કર્યો હતો. કેએલ રાહુલ પણ માત્ર 18 રન બનાવી આઉટ થયો હતો. દિલ્હી તરફથી ટ્રિસ્ટન સ્ટબ્સે 30 દડામાં અડધી સદી ફટકારીને એક છેડો સાચવી રાખ્યો હતો, પરંતુ 19મી ઓવરમાં જેમી ઓવરટને તેને 60 રનના સ્કોર પર આઉટ કરતા દિલ્હીની જીતની આશા પર પાણી ફરી વળ્યું હતું. દિલ્હીની ટીમ 189 રનમાં સમેટાઈ ગઈ હતી.
ટીમમાં ફેરફાર અને ધોનીની હાજરી:
મેચમાં બંને ટીમોએ બે-બે ફેરફાર કર્યા હતા. ચેન્નાઈએ ગુરજપનીત સિંહ અને ડેવાલ્ડ બ્રેવિસને ટીમમાં સ્થાન આપ્યું હતું, જ્યારે દિલ્હીએ આકિબ નબી અને આશુતોષ શર્માને તક આપી હતી. મેચ પૂર્વે રુતુરાજ ગાયકવાડે જણાવ્યું હતું કે મહેન્દ્ર સિંહ ધોની હાલ હોટલમાંથી ટીમનું સમર્થન કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ તે મેદાન પર પણ જોવા મળી શકે છે. આ જીત સાથે ચેન્નાઈના પ્રશંસકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
(11:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
