તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Sunday, 3rd May 2026
IPL 2026: હાઈવોલ્ટેજ ડ્રામામાં મુંબઈના 'હારના પંચ' સામે ચેન્નાઈની શાનદાર ગર્જના, પોઈન્ટ ટેબલમાં મચ્યો ભારે ખળભળાટ
પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની સતત ત્રીજી હારથી પ્લેઓફની આશા ધૂંધળી બની જ્યારે ધોનીની સેનાએ ટેબલમાં લગાવી લાંબી છલાંગ

ચેન્નાઈ:IPL 2026 ના જંગમાં 'એલ્ ક્લાસિકો' ગણાતી ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચમાં સીએસકેએ બાજી મારીને પોઈન્ટ ટેબલના સમીકરણો બદલી નાખ્યા છે. 2 મેના રોજ રમાયેલી આ રસાકસીભરી મેચમાં મુંબઈને પછાડીને ચેન્નાઈના સિંહ સાતમા ક્રમેથી સીધા છઠ્ઠા સ્થાને પહોંચી ગયા છે. મુંબઈ માટે આ હાર આઘાતજનક સાબિત થઈ છે, કારણ કે ચાલુ સિઝનમાં આ બીજી વખત છે જ્યારે ટીમે હારની હેટ્રિક નોંધાવી હોય. સતત પરાજયના કારણે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળની મુંબઈની ટીમ હવે પોઈન્ટ ટેબલમાં નવમા ક્રમે ધકેલાઈ ગઈ છે, જે તેના ચાહકો માટે ચિંતાનો વિષય છે.
વર્તમાન પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો પ્રીતિ ઝિન્ટાની પંજાબ કિંગ્સ 13 પોઈન્ટ સાથે ટોચ પર પોતાનું આધિપત્ય જાળવી રાખ્યું છે. પંજાબે અત્યાર સુધી રમાયેલી આઠ મેચોમાંથી છમાં જીત મેળવી છે. બીજી તરફ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ ત્રણેય ટીમો 12-12 પોઈન્ટ સાથે અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા સ્થાને રહીને પ્લેઓફની રેસમાં મજબૂત પકડ ધરાવે છે. ગુજરાત ટાઇટન્સ 10 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને અડિખમ છે, જ્યારે ચેન્નાઈની તાજી જીતે તેને દિલ્હી કરતા આગળ કરી દીધું છે.
ટેબલના તળિયે સંઘર્ષ કરતી ટીમોમાં હવે કોલકાતા નાઈટ રાઈડર્સ 5 પોઈન્ટ સાથે આઠમા ક્રમે છે, જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ માત્ર 4 પોઈન્ટ સાથે સૌથી નીચેના ક્રમે યથાવત છે. મુંબઈ પાસે હવે માત્ર 4 પોઈન્ટ હોવાથી આગામી તમામ મેચો 'કરો અથવા મરો' જેવી બની રહેશે. નિષ્ણાતોના મતે, મુંબઈની નબળી બોલિંગ અને મિડલ ઓર્ડરની નિષ્ફળતા તેને ભારે પડી રહી છે. ચેન્નાઈની આ જીત બાદ હવે ટૂર્નામેન્ટમાં મધ્યક્રમની ટીમો વચ્ચે પ્લેઓફ માટેની જંગ વધુ આક્રમક અને રસપ્રદ બને તેવા પૂરેપૂરા એંધાણ વર્તાઈ રહ્યા છે.

(12:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
