News of Monday, 27th April 2026
IPL 2026 : ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડની ઘાતક બોલિંગ સામે દિલ્હી કેપિટલ્સનો ધબડકો : બેંગ્લોરનો ૯ વિકેટે ભવ્ય વિજય
દેવદત્ત પડિક્કલ અને વિરાટ કોહલીની તોફાની બેટિંગ સામે ૭૬ રનનો લક્ષ્યાંક મામૂલી સાબિત થયો : ૮૧ બોલ બાકી રહેતા આરસીબીએ એકતરફી મુકાબલામાં દિલ્હીને તેના જ ઘરઆંગણે હરાવ્યું

નવી દિલ્હી:ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૬માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વિજયકૂચ જારી રહી છે. સોમવારે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલા એકતરફી મુકાબલામાં બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સને ૯ વિકેટે હરાવીને શાનદાર જીત મેળવી હતી. અનુભવી ફાસ્ટ બોલરોની આક્રમક બોલિંગના સહારે બેંગ્લોરે દિલ્હીને માત્ર ૭૫ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું અને ત્યારબાદ માત્ર ૬.૩ ઓવરમાં લક્ષ્યાંક પ્રાપ્ત કરીને પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે.
દિલ્હીના બેટરોનો પેવેલિયન તરફનો ધસારો:
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. બેંગ્લોરના પેસ એટેક સામે દિલ્હીનો કોઈ પણ બેટર લાંબો સમય ટકી શક્યો નહોતો. ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડની જોડીએ દિલ્હીના ટોપ ઓર્ડરને વેરવિખેર કરી નાખ્યું હતું. દિલ્હીની ટીમ ૧૬.૩ ઓવરમાં માત્ર ૭૫ રન બનાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ટીમમાં કોઈ પણ મોટી ભાગીદારી નોંધાઈ નહોતી, જેના કારણે સ્કોરબોર્ડ પર સન્માનજનક સ્કોર પણ મૂકી શકાયો નહોતો.
ભુવનેશ્વર કુમાર અને હેઝલવુડનો તરખાટ:
બેંગ્લોર તરફથી બોલિંગમાં ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડે તરખાટ મચાવ્યો હતો. જોશ હેઝલવુડે તરખાટ મચાવતા ૪ વિકેટ ઝડપી હતી, જ્યારે ભુવનેશ્વર કુમારે પણ સચોટ બોલિંગ કરીને ૩ મહત્વની વિકેટો ખેરવી હતી. શરૂઆતથી જ દિલ્હી પર દબાણ જાળવી રાખીને બેંગ્લોરના બોલરોએ યજમાન ટીમને રન બનાવવા માટે ઝઝૂમતી કરી દીધી હતી.
બેંગ્લોરની આક્રમક બેટિંગ અને આસાન વિજય:
૭૬ રનના સામાન્ય લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બેંગ્લોરની ટીમે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. જેકબ બેથેલે ૨૦ રન બનાવીને પાયો નાખ્યો હતો. ત્યારબાદ દેવદત્ત પડિક્કલે આક્રમક બેટિંગ કરતા અણનમ ૩૪ રન ફટકાર્યા હતા. બીજી તરફ વિરાટ કોહલીએ પણ મક્કમ બેટિંગ કરીને ૨૩ રન સાથે અણનમ રહીને ટીમને વિજય અપાવ્યો હતો. બેંગ્લોરે માત્ર ૬.૩ ઓવરમાં ૧ વિકેટ ગુમાવી ૭૭ રન બનાવી લીધા હતા. ૮૧ બોલ બાકી રહેતા મેળવેલો આ વિજય બેંગ્લોર માટે રન રેટ સુધારવામાં ખૂબ જ મહત્વનો સાબિત થશે.
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
