<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

થોમસ કપમાં ભારતનો વિજયી ‘શટલ’ શૉટ: લક્ષ્ય સેનની હાર છતાં કેનેડા સામે 4-1થી શાનદાર જીત; સાત્વિક-ચિરાગની જોડીએ મચાવી ધૂમ

ડેનમાર્કના હોર્સન્સમાં ભારતીય ખેલાડીઓનો દબદબો; શરૂઆતની ઠોકર બાદ કિદામ્બી શ્રીકાંત અને આયુષ શેટ્ટીએ કેનેડાને મેદાનમાં હંફાવ્યું

રાજકોટ: ડેનમાર્કના હોર્સન્સમાં રમાઈ રહેલા પ્રતિષ્ઠિત થોમસ કપ 2026 માં પૂર્વ ચેમ્પિયન ભારતે પોતાના અભિયાનનો ધમાકેદાર પ્રારંભ કર્યો છે. ગ્રુપ A ના મુકાબલામાં ભારતે કેનેડાને 4-1 થી પરાસ્ત કરીને ક્વાર્ટર ફાઈનલ તરફ મજબૂત ડગલું ભર્યું છે. જોકે શરૂઆતની મેચમાં સ્ટાર ખેલાડી લક્ષ્ય સેનની હારથી ભારતને થોડો ઝટકો લાગ્યો હતો, પરંતુ ત્યારબાદ તમામ ખેલાડીઓએ સીધી ગેમમાં વિજય મેળવીને ભારતનો વિજયી વાવટો લહેરાવ્યો હતો.
લક્ષ્ય સેન સામે વિક્ટર લાઈ ભારે પડ્યો
દિવસની શરૂઆત ખૂબ જ રસાકસીભરી રહી હતી. લક્ષ્ય સેન અને વિક્ટર લાઈ વચ્ચેના મુકાબલા પર સૌની નજર હતી. સેને પહેલી ગેમ 21-18 થી જીતીને સારી શરૂઆત કરી હતી, પરંતુ બીજી ગેમમાં વિક્ટર લાઈએ 21-19 થી વાપસી કરી હતી. ત્રીજી અને નિર્ણાયક ગેમમાં લક્ષ્ય સેનની લય થોડી બગડી અને તે 10-21 થી મેચ હારી ગયો. એક કલાક અને 11 મિનિટ સુધી ચાલેલી આ મેરેથોન મેચમાં કેનેડાએ શરૂઆતી લીડ મેળવી લીધી હતી.
સાત્વિક-ચિરાગ અને શ્રીકાંતનો પાવરફુલ કમબેક
ભારત 0-1 થી પાછળ હતું ત્યારે ભૂતપૂર્વ વિશ્વ નંબર 1 જોડી સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ મેદાન સંભાળ્યું. તેમણે કેનેડાના જોનાથન લાઈ અને કેવિન લીને 21-10, 21-11 થી હરાવીને સ્કોર 1-1 ની બરાબરી પર લાવી દીધો. ત્યારબાદ આયુષ શેટ્ટીએ બ્રાયન યાંગને 21-13, 21-17 થી હરાવી ભારતને લીડ અપાવી. હરિહરન અમસાકરુનન અને એમ.આર. અર્જુનની જોડીએ પણ આક્રમક રમત બતાવી ભારતનો વિજય નિશ્ચિત કર્યો હતો.
શ્રીકાંતે વિજય પર લગાવી મહોર
ટાઈની છેલ્લી મેચમાં અનુભવી કિદામ્બી શ્રીકાંતે જોશુઆ ન્ગ્યુએનને 21-17, 21-12 થી હરાવીને ભારતને 4-1 ની વ્યાપક જીત અપાવી હતી. આ જીત સાથે ભારતીય ટીમનો આત્મવિશ્વાસ સાતમા આસમાને પહોંચ્યો છે. હવે ભારતીય મહિલા ટીમ ઉબેર કપમાં ડેનમાર્ક સામે ટકરાશે, જેના પર રમતપ્રેમીઓની નજર મંડાયેલી છે.
પરિણામો એક નજરે:
•    લક્ષ્ય સેન: 18-21, 21-19, 21-10 (હાર)
•    સાત્વિક/ચિરાગ: 21-10, 21-11 (જીત)
•    આયુષ શેટ્ટી: 21-13, 21-17 (જીત)
•    હરિહરન/એમ.આર. અર્જુન: 21-7, 21-15 (જીત)
•    કિદામ્બી શ્રીકાંત: 21-17, 21-12 (જીત)

(7:47 PM IST)