તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
કોહલી-રોહિતના અનુભવ સાથે કિવીઓ સામે ભારતનો વનડે જંગ
૪ નવેમ્બરથી પાંચ મેચની શ્રેણીનો પ્રારંભ, શુભમન ગિલ પ્રથમ ત્રણ મેચમાં સુકાનીપદ સંભાળશે, છેલ્લી બે મેચમાં શ્રેયસ ઐયરના હાથમાં ટીમની કમાન : વનડે વર્લ્ડકપની તૈયારી માટે બંને ટીમો માટે મહત્ત્વપૂર્ણ શ્રેણી

નવી દિલ્હી : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-૨૦ શ્રેણી બાદ હવે વનડે ક્રિકેટનો રોમાંચ જામવા જઈ રહ્યો છે. બંને દેશો વચ્ચે પાંચ મેચની વનડે શ્રેણીનો પ્રારંભ આગામી ૪ નવેમ્બરથી ઓકલેન્ડ ખાતે થશે. આ શ્રેણીમાં ભારતીય ટીમનો ઇરાદો ન્યૂઝીલેન્ડની ધરતી પર શ્રેષ્ઠ પ્રદર્શન કરીને વિજયી શરૂઆત કરવાનો રહેશે. ખાસ કરીને વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા અનુભવી બેટ્સમેનોની હાજરી ભારતીય ટીમની બેટિંગને મજબૂતી આપશે.
ભારતીય ટીમની કમાન પ્રથમ ત્રણ વનડે માટે શુભમન ગિલને સોંપવામાં આવી છે, જ્યારે અંતિમ બે મેચમાં શ્રેયસ ઐયર સુકાનીપદ સંભાળશે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમ મિચેલ સેન્ટનરના નેતળત્વમાં મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની બેટિંગ પર ક્રિકેટપ્રેમીઓની ખાસ નજર રહેશે. બંને ખેલાડીઓ પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો બહોળો અનુભવ છે અને તેઓ ન્યૂઝીલેન્ડના બોલરો સામે મોટી ઇનિંગ રમવાની ક્ષમતા ધરાવે છે.
આ શ્રેણીમાં ભારતીય ટીમ માટે માત્ર મેચ જીતવાનો જ નહીં, પરંતુ આગામી ૨૦૨૭ના વનડે વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ખેલાડીઓની ક્ષમતા ચકાસવાનો પણ અવસર રહેશે. યુવા બેટ્સમેનો, ઓલરાઉન્ડરો અને બોલરોને પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળશે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમ પણ ઘરઆંગણે ભારત સામે મજબૂત પડકાર ફેંકવાના ઇરાદા સાથે ઉતરશે. ન્યૂઝીલેન્ડે પણ પ્રથમ ત્રણ અને અંતિમ બે મેચ માટે અલગ-અલગ ખેલાડીઓની પસંદગી કરી છે.
પાંચ મેચની આ શ્રેણીમાં પ્રથમ વનડે ૪ નવેમ્બરે ઓકલેન્ડ, બીજી ૭ નવેમ્બરે વેલિંગ્ટન, ત્રીજી ૧૦ નવેમ્બરે હેમિલ્ટન અને ચોથી તથા પાંચમી વનડે અનુક્રમે ૧૩ અને ૧૫ નવેમ્બરે માઉન્ટ મૌંગાનુઈ ખાતે રમાશે.
તમામ મેચ ભારતીય સમય પ્રમાણે સવારે ૭:૩૦ વાગ્યે શરૂ થશે. હવે જોવાનું એ રહેશે કે કોહલી-રોહિતના અનુભવ અને ગિલ-ઐયરની આગેવાનીમાં ભારતીય ટીમ કિવીઓના ઘરઆંગણે કેવો દમ બતાવે છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
