News of Tuesday, 22nd September 2026
ભારતની દીકરીઓએ જીત્યો ગોલ્ડઃ ફાઇનલમાં શ્રીલંકાને ધુળ ચટાવી
ભારતના ૨૧૬ રનના જવાબમાં શ્રીલંકાની ટીમ ૬૯ રનમાં જ ઢેરઃ મહિલા ક્રિકેટ ટીમે રચ્યો સુવર્ણ ઇતિહાસ

ટોકયો : તા.૨૨: એશિયન ગેમ્સ-૨૦૨૬મા ભારતે પ્રથમ ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. ભારતે ફાઈનલમાં શ્રીલંકાને ૧૪૭ હરાવ્યું છે. આ સાથે એશિયન ગેમ્સ ૨૦૨૬મા ભારતના કુલ મેડલોની સંખ્યા ૭ પર પહોંચી ગઈ છે.
ભારતે ૨૦ ઓવરમાં ૨૧૬ રન ફટકાર્યા હતા. ટીમને ઓપનર સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ આક્રમક શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે ૯૯ રનની ભાગીદારી કરી હતી. શેફાલી વર્મા ૨૯ બોલમાં ૩ ફોર અને ત્રણ સિક્સ સાથે ૪૮ રન બનાવી આઉટ થઈ હતી.
સ્મૃતિ મંધાનાએ આક્રમક બેટિગ કરતા ૭૯ રન ફટકાર્યા હતા. સ્મૃતિએ પોતાની ઈનિગમાં ૫ ચોગ્ગા અને ૭ સિક્સ ફટકારી હતી. આ સિવાય કેપ્ટન હરમનપ્રીત કૌરએ ૧૯ રનનું યોગદાન આપ્યું હતું. અંતિમ ઓવરમાં રિચા ઘોષએ આક્રમક બેટિગ કરતા ૨૨ બોલમાં ૬ ચોગ્ગા અને ૩ સિક્સ સાથે અણનમ ૪૯ રન બનાવ્યા હતા. ભારતી ફુલમાલી ૭ રન બનાવી અણનમ રહી હતી.
ભારતે આપેલા મોટા લક્ષ્યની સામે શ્રીલંકાનો ધબડકો થયો હતો. શ્રીલંકાની મહિલા ટીમ માત્ર ૬૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી દીપ્તિ શર્માએ ૪ ઓવરમાં ૧ મેડન સાથે ૬ રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય શેફાલી વર્મા, શ્રેયંકા પાટિલ અને શ્રી ચરણીને બે-બે વિકેટ મળી હતી. શ્રીલંકા તરફથી કેપ્ટન ચમારી અટ્ટાપટ્ટુએ સૌથી વધુ ૨૯ રન બનાવ્યા હતા.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
