<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

એશિયન ગેમ્સ ૨૦૨૬માં તીરંદાજીમાં ભારતનો દબદબો: મિક્સ્ડ રિકર્વ ટીમ ઈવેન્ટમાં કુમકુમ મોહોદ અને ધીરજ બોમ્માદેવરાએ જીત્યો સિલ્વર મેડલ!

ચીનની જોડી સામે ગોલ્ડ મેડલ મેચમાં ૩-૫થી આકરી ટક્કર બાદ ભારતીય જોડીએ રજતચંદ્રક પોતાના નામે કર્યો: ૧૭ વર્ષીય કુમકુમે ગોલ્ડ અને સિલ્વર સાથે ઈતિહાસ રચ્યો

નાગોયા (જાપાન), તા.૦૨: જાપાનના આઈચી-નાગોયા ખાતે યોજાઈ રહેલી એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતીય તીરંદાજોએ પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખ્યું છે. શુક્રવારે રમાયેલી મિક્સ્ડ રિકર્વ તીરંદાજી ટીમ ઈવેન્ટના હાઇ-વોલ્ટેજ ગોલ્ડ મેડલ મુકાબલામાં ભારતની કુમકુમ મોહોદ અને ધીરજ બોમ્માદેવરાની જોડીએ શ્રેષ્ઠ રમત બતાવીને દેશ માટે સિલ્વર મેડલ (રજતચંદ્રક) હાંસલ કર્યો છે.

 

ચીન સામે ફાઇનલમાં ૩-૫થી મળ્યો પરાજય

 

દિવસની શરૂઆતમાં સેમીફાઇનલમાં યજમાન જાપાનને ૫-૩થી હરાવીને ફાઇનલમાં પહોંચેલી ભારતીય જોડીનો સામનો ચીનના ઝુ જિંગયી અને લી મેંગકી સામે થયો હતો. શરૂઆતના બે સેટમાં ચીની જોડીએ લય જાળવી રાખીને ૪-૦થી મોટી સરસાઈ મેળવી લીધી હતી. જોકે, ત્યારબાદ ભારતીય જોડીએ રોમાંચક વાપસી કરીને ત્રીજો સેટ ૩૭-૩૬થી જીતી લીધો હતો અને ચોથો સેટ ૩૭-૩૭થી ટાઈ કરાવ્યો હતો. અંતે ચીને પ-૩થી વિજય મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

 

૧૭ વર્ષીય કુમકુમ મોહોદે રચ્યો ઈતિહાસ

 

આ મેચમાં ભારતને સિલ્વર મેડલ મળતા લોસ એન્જલસ ૨૦૨૮ ઓલિમ્પિક્સ માટેનો સીધો ક્વોટા ચૂકવો પડ્યો હતો, પરંતુ ૧૭ વર્ષીય ભારતીય તીરંદાજ કુમકુમ મોહોદે આજના દિવસે અદ્ભુત સિદ્ધિ મેળવી છે. અગાઉ કુમકુમ, અંકિતા ભકત અને કીર્તિ શર્માની મહિલા રિકર્વ ટીમે દક્ષિણ કોરિયાને ૫-૩થી હરાવીને ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો હતો. આમ, એક જ દિવસમાં ગોલ્ડ અને સિલ્વર મેળવીને કુમકુમ આ ગેમ્સમાં ભારતની સુપરસ્ટાર બની ગઈ છે.

 

મેડલ ટેલીમાં ભારત સાતમા સ્થાને મજબૂત

 

આ સફળતા સાથે જ આઈચી-નાગોયા ગેમ્સમાં ભારતની કુલ મેડલ સંખ્યા ૬૮ (૧૧ ગોલ્ડ, ૨૪ સિલ્વર અને ૩૩ બ્રોન્ઝ) પર પહોંચી ગઈ છે. ભારતીય રમતવીરોના આ શાનદાર પ્રદર્શનને કારણે મેડલ ટેબલમાં ભારત સાતમા ક્રમે મજબૂત સ્થિતિમાં જળવાઈ રહ્યું છે.

 

(5:27 PM IST)