News of Friday, 27th November 2026
ભારતનો પ્રહાર...ન્યુઝીલેન્ડનો પલટવાર...ર૪૬/પ
લાથમની ફિફટી, બ્લન્ડેલ-ફિલીપ્સની અણનમ ૬ર રનની ભાગીદારીઃ ગુરનૂર બ્રારની ટેસ્ટમાં એન્ટ્રીઃ અક્ષદીપ ર, કમ્બોજ-બ્રાર અને સુંદરને ૧-૧ વિકેટ

નવી દિલ્હીઃન્યૂઝીલેન્ડ સામે બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે નવા ચહેરા ગુરનૂર બ્રારને ટેસ્ટ ડેબ્યૂની તક આપી હતી અને આ પંજાબના ફાસ્ટ બોલરે પ્રથમ ટેસ્ટમાં જ વિકેટ મેળવી પોતાની પસંદગીને સાર્થક કરી હતી. ગુરનૂરે ડેવોન કોનવેને ૩૧ રને એલબીડબલ્યુ આઉટ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. જોકે ન્યૂઝીલેન્ડના બેટરો સામે ભારતીય બોલરોને વિકેટ માટે લાંબી લડત આપવી પડી હતી.
ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં ૮૫ ઓવરના અંતે ૫ વિકેટ ગુમાવી ૨૪૬ રન બનાવ્યા હતા. કેપ્ટન ટોમ લાથમે ૧૨૮ બોલમાં ૫૯ રન ફટકારી ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. કોનવે ૩૧ રન બનાવી ગુરનૂરનો શિકાર બન્યો હતો. હેનરી નિકોલ્સ ૧૬ રને અને રચિન રવિન્દ્ર શૂન્ય રને આઉટ થતાં ભારતીય ટીમે વળતો પ્રહાર કર્યો હતો.
ત્યારબાદ ડેરીલ મિચેલે ૩૧ રન બનાવ્યા હતા. વિકેટકીપર ટોમ બ્લન્ડેલે ૧૧૭ બોલમાં અણનમ ૫૩ રન બનાવી કિવી ટીમને સંકટમાંથી બહાર કાઢી હતી, જયારે ગ્લેન ફિલિપ્સે ૬૪ બોલમાં ૩૬ રન સાથે મક્કમ સાથ આપ્યો હતો. બંને વચ્ચેની ભાગીદારીના કારણે ન્યૂઝીલેન્ડે દિવસના અંતે સ્કોર ૨૪૬/૫ સુધી પહોંચાડ્યો હતો.
ભારત તરફથી આકાશ દીપે બે વિકેટ ઝડપી હતી, જયારે ગુરનૂર બ્રાર, અંશુલ કંબોજ અને વોશિંગ્ટન સુંદરે એક-એક વિકેટ મેળવી હતી. હવે બીજા દિવસે ભારતીય બોલરો ન્યૂઝીલેન્ડની બાકીની વિકેટ ઝડપથી મેળવી દાવને સમેટવાનો પ્રયાસ કરશે
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
