તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતનો ડંકો: શોટ પુટમાં તજિંદરપાલ સિંહે સિલ્વર તો પુરુષ કબડ્ડી ટીમે ઈરાનને ધૂળ ચાટતી કરી ગોલ્ડ મેડલ કબજે કર્યો!
૧૫૦૦ મીટરમાં ગુલવીર સિંહ અને યુનુસ શાહ ફાઇનલમાં પ્રવેશ્યા: સ્પ્રિન્ટર અનિમેશ કુજુરે પણ ૨૦૦ મીટરની મેડલ રેસમાં સ્થાન પાક્કું કર્યું

નાગોયા (જાપાન) : જાપાનના આઈચી-નાગોયા ખાતે રમાઈ રહેલી એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતીય એથ્લેટ્સ અને ટીમોનું શાનદાર પ્રદર્શન યથાવત રહ્યું છે. પુરુષોની શોટ પુટ ફાઇનલમાં ભારતના અનુભવી એથ્લીટ તજિંદરપાલ સિંહ તૂરે ૨૦.૬૪ મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. અગાઉ ૨૦૧૮ જકાર્તા અને ૨૦૨૨ હાંગઝોઉ ગેમ્સમાં સતત બે સુવર્ણ ચંદ્રકો જીતનાર તૂરે આ વખતે પણ સિલ્વર મેડલ જીતીને એશિયન ગેમ્સમાં પોતાનો દબદબો બરકરાર રાખ્યો છે. આ સ્પર્ધામાં ઈરાનના મોહમ્મદરેઝા તયેબીસે ૨૦.૮૧ મીટરના 'ગેમ્સ રેકોર્ડ' સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
અન્ય એક રોમાંચક મુકાબલામાં ભારતીય પુરુષ કબડ્ડી ટીમે પરંપરાગત હરીફ ઈરાનને ૪૦-૩૪થી મ્હાત આપીને સુવર્ણ ચંદ્રક પર કબ્જો જમાવ્યો હતો. હાફ-ટાઈમ સુધી ભારતીય ટીમ ૧૭-૧૮થી પાછળ ચાલી રહી હતી, પરંતુ વિરામ બાદ આક્રમક રમત દાખવીને ભારતીય ખેલાડીઓએ મેચ પર સંપૂર્ણ પકડ જમાવી લીધી હતી અને નિર્ણાયક વાપસી કરીને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
ટ્રેક એન્ડ ફીલ્ડ સ્પર્ધાઓમાં પણ ભારતીય ખેલાડીઓનો ઝળહળતો દેખાવ
ટ્રેક એન્ડ ફીલ્ડ ઈવેન્ટ્સમાં પણ ભારતીય એથ્લેટ્સે આશાસ્પદ પ્રદર્શન કર્યું છે. પુરુષોની ૨૦૦ મીટરની સેમીફાઇનલમાં અનિમેશ કુજુરે ૨૦.૮૧ સેકન્ડના સમય સાથે બીજું સ્થાન મેળવીને ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે. આ ઉપરાંત ૧૫૦૦ મીટરની હીટ્સમાં ગુલવીર સિંહ (૩:૪૫.૭૯) અને યુનુસ શાહ (૩:૪૫.૭૭) બંને પોતપોતાની હીટ્સમાં ત્રીજા સ્થાને રહીને ફાઇનલની રેસમાં ક્વોલિફાય થયા છે, જેઓ હવે પરમદિવસે યોજાનારી મેડલ રેસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
