<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

ભારતીય મહિલા ટીમે રચ્યો નવો ઈતિહાસ :શ્રીલંકાને 72 રને કચડી આઠમી વાર જીત્યો એશિયા કપ

શેફાલી વર્માના 68 રન અને સ્મૃતિ મંધાનાના 59 રનની મદદથી ભારતે 183 રન બનાવ્યા જવાબમાં શ્રીલંકા 111 રને ઓલઆઉટ થતાં ભારતનો 72 રને ભવ્ય વિજય થયો

મહિલા ક્રિકેટમાં ભારતીય ટીમે ફરી એકવાર એશિયા ખંડમાં પોતાનો સર્વોચ્ચ દબદબો સાબિત કરી દીધો છે. તાજા સ્પોર્ટ્સ રિપોર્ટ મુજબ ફાઇનલ મુકાબલામાં ભારતે શ્રીલંકાને 72 રને કારમી હાર આપી છે. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની તોફાની અડધી સદીઓના સહારે ભારતે ઊભા કરેલા 183 રનના વિશાળ સ્કોર સામે શ્રીલંકા માત્ર 111 રન જ બનાવી શક્યું હતું.

 

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. અત્યાર સુધી રમાયેલા તમામ 10 એશિયા કપ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે અને આઠમી વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ હાંસલ કર્યું છે.

 

આ શાનદાર જીત સાથે કેપ્ટન હરમનપ્રીત કૌરની ટીમે વર્ષ 2024 ની એશિયા કપ ફાઇનલમાં શ્રીલંકા સામે મળેલી હારનો હિસાબ પણ બરાબર કરી લીધો છે. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો આક્રમક નિર્ણય લીધો હતો, જે ટીમના બંને ઓપનરોએ સાર્થક કરી બતાવ્યો હતો.

 

 

ભારતીય ઇનિંગ્સની શરૂઆતથી જ શેફાલી વર્માએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. શેફાલીએ માત્ર 24 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી, જે મહિલા T20 એશિયા કપના ઇતિહાસની સૌથી ઝડપી અડધી સદી બની ગઈ છે. આ તેની આંતરરાષ્ટ્રીય T20 કારકિર્દીની 21મી અડધી સદી હતી.

બીજી તરફ સ્મૃતિ મંધાનાએ શાંત શરૂઆત બાદ મેદાનની ચારેય તરફ ક્લાસિક શોટ્સ ફટકારવાનું શરૂ કર્યું હતું. મંધાનાએ 34 બોલમાં અડધી સદી ફટકારી હતી.

શેફાલી વર્માએ માત્ર 39 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે તોફાની 68 રન બનાવ્યા.સ્મૃતિ મંધાનાએ 39 બોલમાં સંયમિત અને આક્રમક બેટિંગ સાથે 59 રનનું યોગદાન આપ્યું. બંને વચ્ચે 129 રનની ઐતિહાસિક ઓપનિંગ ભાગીદારી નોંધાઈ, જે T20 એશિયા કપમાં કોઈપણ વિકેટ માટે સર્વોચ્ચ છે.

 

આ જોડી વચ્ચે મહિલા આંતરરાષ્ટ્રીય T20 માં આ છઠ્ઠી સદીની ભાગીદારી હતી, જેનાથી તેમણે UAE ની ઇશા ઓઝા અને ત્રીથા સતીશના સંયુક્ત વિશ્વ રેકોર્ડની બરાબરી કરી છે. આ અગાઉ એશિયા કપમાં સૌથી મોટી ભાગીદારીનો ભારતીય રેકોર્ડ જેમિમા રોડ્રિગ્સ અને દીપ્તિ શર્મા (128 રન) ના નામે હતો, જે હવે તૂટી ગયો છે.

જોકે ભારતીય ટીમનો મિડલ ઓર્ડર ફરી એકવાર સસ્તામાં આઉટ થયો હતો. ટીમે 13 ઓવરમાં 130 રન બનાવી લીધા હોવા છતાં અંતિમ 7 ઓવરમાં માત્ર 53 રન બનાવી શકી હતી અને 3 વિકેટ ગુમાવી હતી. ખુદ કેપ્ટન હરમનપ્રીત કૌર 14 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી, પરંતુ ઓપનરોના પાયાના લીધે સ્કોર 183 રન સુધી પહોંચી ગયો હતો.

 

184 રનના કપરા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમ શરૂઆતથી જ દબાણમાં આવી ગઈ હતી. ભારતીય બોલર ક્રાંતિ ગૌડે ઇમેશા દુલારીને માત્ર 4 રને આઉટ કરીને પ્રારંભિક સફળતા અપાવી હતી.

પાવરપ્લેમાં શ્રીલંકન કેપ્ટન ચમારી અટાપટ્ટુ અને વિશ્મી ગુણારત્નેએ વિકેટ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય બોલરોની સચોટ લાઇન-લેન્થ સામે તેઓ ઝડપી રન બનાવી શકી નહોતી. પાવરપ્લેમાં શ્રીલંકા માત્ર 38 રન બનાવી શક્યું હતું. સતત વધતા રન રેટના દબાણમાં નિયમિત અંતરે વિકેટો પડતાં શ્રીલંકાની સમગ્ર ટીમ 111 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે 72 રને ભવ્ય જીત નોંધાવી હતી.

(11:43 PM IST)