<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

એશિયન ગેમ્સ માટે ભારતીય મહિલા ટીમ જાહેર :હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં સતત બીજા ગોલ્ડ મેડલ પર નજર રહેશે

શેફાલી વર્મા, જેમીમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા અને વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષને ટીમમાં સામેલ :યાસ્તિકાના સ્થાને જી. કમલિનીનો સમાવેશ

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થયા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને હવે પોતાને સાબિત કરવાનો એક નવો પડકારનો સામનો કરવો પડશે. આ સંદર્ભમાં BCCIએ સપ્ટેમ્બર 2026માં જાપાનના આઈચી-નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી છે. આ વખતે ટીમનું લક્ષ્ય સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીતવાનું રહેશે. તાજેતરમાં T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું અભિયાન નિરાશાજનક રીતે સમાપ્ત થયું. ટીમ ગ્રુપ સ્ટેજમાં પાંચમાંથી ફક્ત ત્રણ મેચ જીતી શકી. ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે હારી ગઈ.

 

ભારતીય મહિલા ટીમે ચીનના હાંગઝોઉમાં યોજાયેલી છેલ્લી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ટીમ આ વખતે તેના ખિતાબનું રક્ષણ કરવાનો લક્ષ્ય રાખશે. સ્મૃતિ મંધાનાને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે. 

 

વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન છતાં પસંદગીકારોએ અનુભવી ખેલાડીઓ પર વિશ્વાસ જાળવી રાખ્યો છે. શેફાલી વર્મા, જેમીમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા અને વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. યુવા વિકેટકીપર-બેટ્સમેન જી. કમલિની પણ ટીમનો ભાગ રહેશે. જોકે વિકેટકીપર-બેટ્સમેન યાસ્તિકા ભાટિયાને ટીમમાંથી બહાર કરવામાં આવી છે. યાસ્તિકાના સ્થાને જી. કમલિનીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

રેણુકા ઠાકુર, અરુંધતી રેડ્ડી, રાધા યાદવ, શ્રી ચરાણી અને ક્રાંતિ ગૌડનો બોલિંગ વિભાગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઓલરાઉન્ડર શ્રેયંકા પાટિલને ફિટનેસ ક્લિયરન્સને આધીન ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારતી ફુલમાલી અને નંદની શર્મા પણ 15 સભ્યોની ટીમનો ભાગ છે. T20 વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન બાદ એશિયન ગેમ્સ ભારતીય મહિલા ટીમ માટે આત્મવિશ્વાસ પાછો મેળવવા અને ટાઇટલની દાવેદારીમાં પાછા ફરવા માટે એક મુખ્ય પ્લેટફોર્મ સાબિત થઈ શકે છે. ભારત ડિફેન્ડિંગ ગોલ્ડ મેડલ વિજેતા હોવાથી આ વખતે ટીમ ગોલ્ડ મેડલ જાળવી રાખવાની અપેક્ષાઓ વધારે રહેશે.

 

2026 એશિયન ગેમ્સ માટે ભારતની મહિલા ક્રિકેટ ટીમ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (ઉપ-કેપ્ટન), શેફાલી વર્મા, જેમીમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), જી. કમલિની (વિકેટકીપર), ભારતી ફુલમાલી, શ્રી ચારણી, રેણુકા ઠાકુર, ક્રાંતિ ગૌડ, અરુંધતી રેડ્ડી, શ્રેયંકા પાટિલ, રાધા યાદવ અને નંદની શર્મા.

(11:54 AM IST)