તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
ભારતીય નારીઓનો પાકિસ્તાન પર પ્રચંડ પ્રહાર : માત્ર ૫૫ રનમાં વીંટો વાળી સાત વિકેટે કચડ્યું
ચરણી–પ્રેમાની ઘાતક સ્પિન સામે પાકિસ્તાને ઘૂંટણ ટેકવ્યાં : હરમનપ્રીતે વિજયી છગ્ગો ફટકારી જીતને યાદગાર બનાવી

દુબઈ: મહિલા ટી-૨૦ એશિયા કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પરંપરાગત હરીફ પાકિસ્તાનને સાત વિકેટે કચડી દઈ શાનદાર વિજય મેળવ્યો હતો. ભારતીય સ્પિનરોએ જબરદસ્ત તરખાટ મચાવતાં પાકિસ્તાનની આખી ટીમ ૧૮.૧ ઓવરમાં માત્ર ૫૫ રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતે ૫૬ રનનો લક્ષ્યાંક માત્ર ૮.૪ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર પાકિસ્તાને ૨૭ રનની શરૂઆત કર્યા બાદ ભારતીય બોલિંગ સામે ધબડકો અનુભવ્યો હતો. મુનીબા અલીએ ૧૩ અને શવાલ ઝુલ્ફિકારે ૧૪ રન નોંધાવ્યા હતા. આ બંને સિવાય પાકિસ્તાનની એકેય બેટર બે આંકડાનો સ્કોર કરી શકી નહોતી. એક સમયે ૨૭ રને એક વિકેટ ધરાવતું પાકિસ્તાન માત્ર ૧૨ રનના ગાળામાં છ વિકેટ ગુમાવી બેઠું હતું.
ભારત તરફથી શ્રી ચરણી અને પ્રેમા રાવતે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી પાકિસ્તાનની બેટિંગનો કચ્ચરઘાણ કાઢ્યો હતો. ચરણીએ ચાર ઓવરમાં માત્ર સાત અને પ્રેમાએ ચાર ઓવરમાં નવ રન આપ્યા હતા. દીપ્તિ શર્માએ પાંચ રનમાં બે વિકેટ, જ્યારે શેફાલી વર્માએ એક વિકેટ મેળવી હતી. એક બેટર રનઆઉટ થઈ હતી. શાનદાર બોલિંગ બદલ શ્રી ચરણીને મેચની શ્રેષ્ઠ ખેલાડી જાહેર કરાઈ હતી.
લક્ષ્યાંકનો પીછો કરતાં શેફાલી વર્માએ પ્રથમ જ બોલે છગ્ગો ફટકારી ભારતના આક્રમક ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા. જોકે પાકિસ્તાનની સુકાની ફાતિમા સનાએ શેફાલી વર્મા ૧૨, પ્રતિકા રાવલ ૪ અને સ્મૃતિ મંધાના ૯ રનની વિકેટ ઝડપીને ભારતને ૨૯ રનમાં ત્રણ ઝટકા આપ્યા હતા.
ત્યારબાદ સુકાની હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્માએ કોઈ વધુ નુકસાન થવા દીધું નહોતું. હરમનપ્રીત ૧૮ બોલમાં એક ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૧૮ તથા દીપ્તિ ૧૪ બોલમાં ૧૨ રન બનાવી અણનમ રહ્યાં હતાં. હરમનપ્રીતે વિજયી છગ્ગો ફટકારી ભારતને ૬૮ બોલ બાકી રાખીને સાત વિકેટે ભવ્ય જીત અપાવી હતી.
પાકિસ્તાનનો ૫૫ રનનો સ્કોર મહિલા ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેનો અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર બન્યો હતો. ભારતે ટૂર્નામેન્ટમાં પોતાની અજેય આગેકૂચ જાળવી રાખતાં જૂથમાં ટોચનું સ્થાન મજબૂત કરવાની સાથે સેમિફાઇનલમાં પ્રવેશ પણ નિશ્ચિત કર્યો હતો.
(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
