News of Monday, 18th May 2026
ગાંધીનગરમાં ભારતીય વેઇટલિફ્ટરોનો દબદબો: એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૬માં ભારતે ઝટકાવ્યા ૧૦ મેડલ, પાછલો રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો
જ્ઞાનેશ્વરી યાદવે જીત્યો શાનદાર સિલ્વર, સંજનાએ બ્રોન્ઝની હેટ્રિકથી ચોંકાવ્યા; ઇજાના કારણે બહાર રહેલી મીરાબાઈ ચાનુની ખોટ કોમલ કોહરે મેડલ જીતીને પૂરી કરી

ગાંધીનગર : ગુજરાતની પાટનગરી ગાંધીનગરની ધરતી પર રમાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૬ (Asian Weightlifting Championship 2026) માં ભારતીય લિફ્ટરોએ પોતાના શાનદાર પ્રદર્શનના જોરે નવો ઇતિહાસ રચી દીધો છે. ભારતે આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટનો અંત કુલ ૧૦ મેડલની મોટી કમાણી સાથે કર્યો છે, જેમાં એક સિલ્વર અને નવ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ પ્રદર્શન ચીનના જિયાંગશાનમાં યોજાયેલી પાછલી ચેમ્પિયનશિપ કરતાં અનેક ગણું શ્રેષ્ઠ અને ઐતિહાસિક સુધારો દર્શાવે છે, જ્યાં ભારત એક પણ મેડલ જીત્યા વિના ખાલી હાથે પરત ફર્યું હતું. ભારતે આ આયોજનને મેડલથી મઢીને યાદગાર બનાવી દીધું છે.
લવપ્રીત સિંહે અંતિમ દિવસે વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું
ચેમ્પિયનશિપના અંતિમ દિવસે ભારતના દિગ્ગજ વેઇટલિફ્ટર અને કોમનવેલ્થ ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતા લવપ્રીત સિંહે પુરુષોની ૧૧૦ કિગ્રા+ (સુપર હેવીવેઇટ) શ્રેણીમાં જોરદાર ફાઇટ આપી હતી. તેણે સ્નેચ રાઉન્ડમાં ૧૭૪ કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં ૨૧૨ કિગ્રા વજન ઉપાડીને કુલ ૩૮૬ કિગ્રાનો પોતાનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવ્યો હતો. લવપ્રીત આ મજબૂત પ્રદર્શન સાથે પોઇન્ટ ટેબલમાં પાંચમા સ્થાને રહ્યો હતો. આ જ કેટેગરીમાં બહેરીનના બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા ગોર મિનાસ્યાને કુલ ૪૫૭ કિગ્રા વજન ઉપાડીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.
જ્ઞાનેશ્વરીએ અપાવ્યો સિલ્વર, કોમલે ખોલ્યું ભારતનું ખાતું
આ આખી ટૂર્નામેન્ટમાં ભારત માટે એકમાત્ર ચમકતો સિલ્વર મેડલ જ્ઞાનેશ્વરી યાદવે મેળવ્યો હતો. તેણે મહિલાઓની ૫૩ કિગ્રા સ્નેચ ઇવેન્ટમાં આ અદભુત સફળતા મેળવી હતી અને આ જ કેટેગરીના ઓવરઓલ પ્રદર્શનમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો.
બીજી તરફ, ભારતની સ્ટાર ઓલિમ્પિક મેડલ વિજેતા સૈખોમ મીરાબાઈ ચાનુ ઇજાના કારણે આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી, પરંતુ તેમના સ્થાને રમનારી કોમલ કોહરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. કોમલે મહિલાઓની ૪૮ કિગ્રા કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતીને આ ચેમ્પિયનશિપમાં ભારતનું મેડલ ખાતું ખોલાવ્યું હતું.
અજિત અને સંજનાએ મચાવી ધૂમ; ૪૪ વર્ષ બાદ ભારતમાં આયોજન
ભારતના અન્ય ખેલાડીઓમાં અજિત નારાયણે પુરુષોની ૭૧ કિગ્રા કેટેગરીમાં શાનદાર રમત બતાવીને બે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા હતા. જ્યારે મહિલાઓની ૬૯ કિગ્રા સ્નેચ ઇવેન્ટમાં હરજિંદર કૌરે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિવાય સંજનાએ મહિલાઓની ૭૭ કિગ્રા શ્રેણીમાં અદભુત પ્રદર્શન કરીને એક-બે નહીં પરંતુ ત્રણ-ત્રણ બ્રોન્ઝ મેડલ જીતીને બધાને પ્રભાવિત કર્યા હતા. તમને જણાવી દઈએ કે, આ ચેમ્પિયનશિપમાં સ્નેચ, ક્લીન એન્ડ જર્ક અને કુલ વજન (ટોટલ લિફ્ટ) એમ ત્રણેય માટે અલગ-અલગ મેડલ આપવામાં આવ્યા હતા.
ભારત માટે આ ટૂર્નામેન્ટનું હોસ્ટિંગ પણ ઐતિહાસિક હતું, કારણ કે વર્ષ ૧૯૮૨માં નવી દિલ્હીમાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપ બાદ, એટલે કે બરાબર ૪૪ વર્ષ પછી ભારતે બીજી વખત આ મેગા ઈવેન્ટની યજમાની કરી છે, જે ગાંધીનગરમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ છે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
