<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

મહિલા ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આંચકાજનક હાર : મારિજાન કાપની તોફાની અર્ધસદીની મદદથી સાઉથ આફ્રિકાએ ભારતને ૬ વિકેટે હરાવ્યું

કેચ છૂટવો ભારતને ભારે પડ્યો અને સેમીફાઈનલમાં પહોંચવાનું સમીકરણ ગૂંચવાયું : ૧૫૮ રન બનાવ્યા બાદ નબળી બોલિંગ અને કચાસભરી ફિલ્ડિંગના કારણે ટીમ ઈન્ડિયાનો પરાજય

નવી દિલ્હી:મહિલા ટી૨૦ વર્લ્ડ કપની ૧૮મી અત્યંત રોમાંચક મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમને સાઉથ આફ્રિકા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. દક્ષિણ આફ્રિકાની અનુભવી બેટ્સમેન મારિજાને કાપની તોફાની અને અણનમ ૮૧ રનની મેચ વિનિંગ ઇનિંગ્સના કારણે ભારતના હાથમાંથી જીત સરકી ગઈ હતી. ભારતે આપેલા ૧૫૯ રનના લક્ષ્યાંકને આફ્રિકન ટીમે ૧૯.૧ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને સરળતાથી હાંસલ કરી લીધો હતો અને ૬ વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. આ પરાજયની સાથે જ ભારતીય ટીમ માટે ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં પહોંચવાનો પેચ પણ બરાબરનો ફસાયો છે અને આગામી રાઉન્ડની સફર મુશ્કેલ બની ગઈ છે.
આ મહા મુકાબલામાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયા માટે ઇનિંગ્સની શરૂઆત કરવા ઉતરેલી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ પ્રથમ વિકેટ માટે ૩૦ રનની ભાગીદારી કરીને સારી શરૂઆત અપાવી હતી. જો કે, શાનદાર લયમાં દેખાતી સ્મૃતિ મંધાનાને ૧૭ રનના અંગત સ્કોર પર મારિજાને કાપે આઉટ કરીને ભારતને પ્રથમ ઝટકો આપ્યો હતો. ત્યારબાદ શેફાલી વર્માએ આક્રમક વલણ અપનાવ્યું હતું અને માત્ર ૧૫ દડામાં ૩૧ રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી, પરંતુ તેને શબનીમ ઇસ્માઇલે પેવેલિયન ભેગી કરી દીધી હતી.
શેફાલીના આઉટ થયા બાદ કોઈ પણ ભારતીય બેટ્સમેન મોટી કે લાંબી ઇનિંગ્સ રમી શક્યા નહોતા. કેપ્ટન હરમનપ્રીત કૌરે ૨૪ રન, દીપ્તિ શર્માએ ૨૯ રન અને વિકેટકીપર બેટ્સમેન ઋચા ઘોષે ૧contents૫ રનનું યોગદાન આપતાં ભારતે નિયત ઓવરમાં ૧૫૮ રનનો સન્માનજનક સ્કોર ઊભો કર્યો હતો. સાઉથ આફ્રિકા તરફથી બોલિંગમાં પણ મારિજાને કાપ અને શબનીમ ઇસ્માઇલ સૌથી સફળ બોલર રહી હતી, જેમણે ૨-૨ વિકેટ ઝડપીને ભારતીય રન ગતિ પર અંકુશ રાખ્યો હતો.
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમને ભારતીય બોલર શ્રી ચરણીએ છઠ્ઠી ઓવરમાં ઉપરાઉપરી બે ઝટકા આપીને મેચમાં ભારતની જોરદાર વાપસી કરાવી હતી. શ્રી ચરણીએ એક જ ઓવરમાં ઓપનર લૌરા વોલ્વાડ્ટ અને ત્યારબાદ એનેરી ડર્કસનને આઉટ કરીને આફ્રિકાને બેકફૂટ પર ધકેલી દીધું હતું. આ સમયે ભારત મેચ પર પકડ મજબૂત કરી રહ્યું હતું, પરંતુ ત્યાર પછી મેચનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો જ્યારે ભારતીય ફિલ્ડર રાધા યાદવે ક્રીઝ પર સેટ થઈ રહેલી મારિજાને કાપનો એક સરળ કેચ ટપકાવી દીધો હતો.
આ મળેલા જીવનદાનનો મારિજાને કાપે ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો અને તાજમિન બ્રિટ્સ સાથે મળીને ઇનિંગ્સને સંભાળી હતી. શરૂઆતમાં સંભાળીને રમ્યા બાદ કાપે ભારતીય બોલરો પર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો અને માત્ર ૩૪ દડામાં પોતાની અર્ધસદી પૂરી કરી લીધી હતી. તેણે અંત સુધી ક્રીઝ પર અણનમ રહીને ૪૫ દડામાં ૭ ચોગ્ગા અને ૪ ગગનચુંબી છગ્ગાની મદદથી અણનમ ૮૧ રનની તોફાની ઇનિંગ્સ રમીને પોતાની ટીમને જીત અપાવી હતી. ભારતની આ નબળી ફિલ્ડિંગ અને કેચ ડ્રોપ કરવાની ભૂલ આખી મેચમાં નિર્ણાયક સાબિત થઈ હતી.

(10:50 PM IST)