<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

આઈસીસી ODI વર્લ્ડ કપ ૨૦૨૭ માટે ભારતીય ટીમનું સંપૂર્ણ શિડ્યુઅલ જાહેર : ૧૦ ઓક્ટોબરે જોહાનિસબર્ગમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ખેલાશે મહામુકાબલો

૭ ઓક્ટોબરે કેપ ટાઉનમાં ઓસ્ટ્રેલિયા સામે મેચ રમી ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત કરશે : શુબમન ગિલની આગેવાનીમાં ૧૬ વર્ષના દુકાળનો અંત લાવવા ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે

નવી દિલ્હી:અંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા ગુરુવારે ૨૦૨૭ના વન-ડે (ODI) વર્લ્ડ કપના સમગ્ર કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની સંયુક્ત યજમાની હેઠળ યોજાનારા આ મહાકુંભમાં કુલ ૧૪ ટીમો ભાગ લેશે. આ સાથે જ ભારતીય ક્રિકેટ ટીમનો પણ સંપૂર્ણ કાયદો અને શિડ્યુઅલ સામે આવી ચૂક્યો છે. આ વખતે ભારત અને તેના ચિર-પ્રતિદ્વંદ્વી પાકિસ્તાનને એક જ ગ્રુપ (ગ્રુપ-એ) માં રાખવામાં આવ્યા છે.

દુનિયાભરના ક્રિકેટ ચાહકો જે હાઈ-વોલ્ટેજ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો ૧૦ ઓક્ટોબર ૨૦૨૭ના રોજ સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે ખેલાશે. આ અગાઉ ભારતીય ટીમ ૨૦૨૩ના વર્લ્ડ કપ ફાઈનલની રિપીટ મેચમાં ૬ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ૭ ઓક્ટોબરે કેપ ટાઉન ખાતે મેચ રમીને પોતાના મિશનની શરૂઆત કરશે.

વર્લ્ડ કપ ૨૦૨૭ માટે ભારતીય ટીમનું સંપૂર્ણ શિડ્યુઅલ:
• ભારત vs ઓસ્ટ્રેલિયા - ૭ ઓક્ટોબર ૨૦૨૭, કેપ ટાઉન
• ભારત vs પાકિસ્તાન - ૧૦ ઓક્ટોબર ૨૦૨૭, જોહાનિસબર્ગ
• ભારત vs અફઘાનિસ્તાન - ૧૪ ઓક્ટોબર ૨૦૨૭, ત્શવાને
• ભારત vs ક્વોલિફાયર-એ - ૧૭ ઓક્ટોબર ૨૦૨૭, બ્લોમફોન્ટેન
• ભારત vs ઝિમ્બાબ્વે - ૨૪ ઓક્ટોબર ૨૦૨૭, વિક્ટોરિયા ફોલ્સ

૧૬ વર્ષના દુકાળને પૂરો કરવાનો લક્ષ્યાંક:
ભારતીય ટીમ ૨૦૨૭માં સાઉથ આફ્રિકાની ધરતી પર ૧૬ વર્ષ બાદ વન-ડે વર્લ્ડ કપ ટ્રોફી જીતીને દુકાળ સમાપ્ત કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારતે છેલ્લે ૨૦૧૧માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ હોમ ગ્રાઉન્ડ પર વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ ૨૦૧૫ અને ૨૦૧૯માં ભારત સેમિફાઇનલમાં હારી ગયું હતું, જ્યારે ૨૦૨૩ના વર્લ્ડ કપમાં સળંગ તમામ મેચો જીત્યા બાદ ફાઇનલમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

હવે કેપ્ટન શુબમન ગિલની આગેવાનીમાં ભારતીય ટીમ સાઉથ આફ્રિકામાં વિજયધ્વજ લહેરાવવા સજ્જ બની રહી છે. નોંધનીય છે કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે આ કારકિર્દીનો છેલ્લો વન-ડે વર્લ્ડ કપ માનવામાં આવી રહ્યો છે. તેથી જ જો ટીમ ઈન્ડિયા ખિતાબ જીતશે, તો આ બંને દિગ્ગજ ખેલાડીઓ માટે આનાથી રૂડી કોઈ વિદાય હોઈ શકે નહીં.

(10:28 PM IST)