તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th September 2026
T20 શ્રેણીના પ્રથમ મુકાબલામાં ભારતીય ટીમનું વિસ્ફોટક પ્રદર્શન :અફઘાનિસ્તાનને 7 વિકેટે પછાડ્યું
અભિષેક શર્માએ 32 બોલમાં 82 રન ઝૂડ્યા :ભારતે 157 રનનો લક્ષ્યાંક માત્ર 13.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને એકતરફી રીતે સર કરી લીધો

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી 3 મેચોની T20 શ્રેણીના પ્રથમ મુકાબલામાં ભારતીય ટીમે વિસ્ફોટક પ્રદર્શન કર્યું છે. આ ઐતિહાસિક મેચમાં અભિષેક શર્માએ 32 બોલમાં ઝંઝાવાતી 82 રનની મદદથી ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે પછાડ્યું છે. ભારતે 157 રનનો લક્ષ્યાંક માત્ર 13.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને એકતરફી રીતે સર કરી લીધો હતો.
શ્રેયસ ઐયરની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે 'ફ્રેન્ડશિપ T20 કપ'ના પ્રથમ જ મુકાબલામાં પોતાના પાવર-હિટિંગ ક્રિકેટથી સૌને પ્રભાવિત કર્યા છે. ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો કેપ્ટનનો નિર્ણય સાચો સાબિત થયો હતો.
157 રનના સામાન્ય સ્કોરનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત થોડી ધીમી રહી હતી. ઓપનર સંજુ સેમસન 10 રન બનાવીને વહેલો આઉટ થઈ ગયો હતો. પરંતુ તે પછી મેદાન પર અભિષેક શર્મા અને ઇશાન કિશને જે તોફાન મચાવ્યું તેનાથી અફઘાન બોલિંગ લાઇન-અપ વેરવિખેર થઈ ગયું હતું.
અભિષેક શર્માએ શરૂઆતથી જ અફઘાન સ્પિનરો અને ઝડપી બોલરો પર આક્રમણ બોલાવ્યું હતું. તેણે માત્ર 22 બોલમાં પોતાની તોફાની ફિફ્ટી ફટકારી દીધી હતી.
અભિષેક શર્માએ માત્ર 32 બોલમાં 7 ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગા ફટકારીને વ્યક્તિગત 82 રન બનાવ્યા. બીજા છેડેથી ઇશાન કિશને 33 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી ઉપયોગી 42 રન બનાવી મજબૂત ટેકો આપ્યો હતો.
આ પહેલા ભારતીય બોલરોએ શરૂઆતની ઓવરોમાં જ સપાટો બોલાવ્યો હતો. જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહે તીક્ષ્ણ બોલિંગ કરીને માત્ર 43 રનમાં જ અફઘાનિસ્તાનના ટોચના 5 બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરી દીધા હતા.
સંકટમાં મુકાયેલી અફઘાન ટીમને અઝમતુલ્લાહ ઓમરઝઇ અને મોહમ્મદ નબીએ ઉગારી હતી. બંને ખેલાડીઓ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 83 રનની મહત્વની ભાગીદારી નોંધાઈ હતી. મોહમ્મદ નબીએ 33 રન બનાવ્યા હતા, જ્યારે ઓમરઝઇએ 44 બોલમાં અણનમ 64 રન ઝૂડ્યા હતા. શિવમ દુબેની અંતિમ ઓવરમાં 21 રન ફટકારીને અફઘાન ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 156 રન બનાવ્યા હતા.
ભારત તરફથી અર્શદીપ સિંહ સૌથી સફળ બોલર રહ્યો હતો અને તેણે 3 વિકેટ લીધી હતી. બુમરાહ, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીએ 1-1 વિકેટ ઝડપી હતી.
આ જીત સાથે ભારતે 3 મેચોની શ્રેણીમાં 1-0 થી સરસાઈ મેળવી લીધી છે. બંને ટીમો વચ્ચે બીજો મુકાબલો 15 સપ્ટેમ્બર એટલે કે મંગળવારે દિલ્હીના આ જ મેદાન પર રમાશે.
(11:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
