<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

શ્રીલંકા સામેની બીજી ટેસ્ટનાં પ્રથમ દિવસે ભારતીય ટીમનો દબદબો:પડ્ડીકલએ સદી ફટકારી

કેપ્ટન શુભમન ગિલે પણ અડધી સદી ફટકારી: યશસ્વી જયસ્વાલએ 9 ચોગ્ગાની મદદથી 53 બોલમાં 45 રન કર્યા :ગિલ અને પડ્ડીકલે ઈનિંગ્સ સંભાળતા ત્રીજી વિકેટ માટે 120 રનની ભાગીદારી કરી

શ્રીલંકા વિરુદ્ધ કોલમ્બોનાં સિંહલીઝ સ્પોર્ટ્સ ક્લબમાં પ્રથમ દિવસે ભારત અને યજમાન ટીમ વચ્ચે રસપ્રદ ટક્કર જોવા મળી. ભારતે ફરી એકવાર શ્રીલંકા સામે મજબૂત શરૂઆત કરી હતી. પ્રથમ દિવસ ભારતીય બેટર્સનાં નામે રહ્યો. પ્રથમ દિવસના અંતસુધીમાં ભારતે 5 વિકેટના ભોગે 300 રન કરી લીધા હતા. રવિવારે 85 ઓવરની રમત શક્ય બની. ધ્રુવ જુરૈલ (7) અને સારાંશ જૈન (4) ક્રિઝ પર હતા. 

 

ભારત માટે ફરી એકવાર દેવદત્ત પડ્ડીકલે શાનદાર 117 રનની ઈનિંગ્સ રમી હતી. તેણે સતત બીજી ટેસ્ટમાં સદી ફટકારી હતી. આ ઉપરાંત કેપ્ટન શુભમન ગિલે પણ અડધી સદી ફટકારી હતી. ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચમાં લોકેશ રાહુલ માત્ર 18 રન કરી આઉટ થયો હતો. જ્યારે યશસ્વી જયસ્વાલ લયમાં જોવા મળ્યો અને તેણે 9 ચોગ્ગાની મદદથી 53 બોલમાં 45 રન કર્યા હતા. બંનેની વિકેટ પડ્યા બાદ ગિલ અને પડ્ડીકલે ઈનિંગ્સ સંભાળતા ત્રીજી વિકેટ માટે 120 રનની ભાગીદારી કરી હતી. અસિથા ફર્નાન્ડો એ ભાગીદારી તોડી હતી. ગિલ 6 ચોગ્ગા સાથે 50 રન કરી આઉટ થયો. 

 

આ મેચ 33 વર્ષીય સારાંશ જૈનની ડેબ્યૂ મેચ છે, જેને કુલદીપ યાદવના સ્થાને ટીમમાં સામેલ કરાયો છે. મેચમાં રવીન્દ્ર જાડેજા એ 43 રનની સારી ઈનિંગ્સ રમી હતી. જ્યારે રિષભ પંત 7 રન કરી રિટાયર્ડ હર્ટ થયો હતો. જોકે, તે બીજા દિવસે બેટિંગમાં આવશે કે નહીં તે જોવાનું રહેશે. શ્રીલંકા તરફથી આ મેચમાં કામિલ મિશારાને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી છે. 

(11:43 PM IST)