News of Tuesday, 15th September 2026
વેસ્ટ ઇન્ડિઝ સામેની શ્રેણી માટે બુધવારે ભારતીય ટીમની પસંદગી: હાર્દિક પંડ્યાના કમબૅક પર નજર, પંત-રાહુલ વચ્ચે કાંટાની ટક્કર!
ચીફ સિલેક્ટર અજિત અગરકરની અધ્યક્ષતામાં બેઠક યોજાશે; વિકેટકીપર સ્પોટ માટે રાહુલ-પંત-જુરેલ વચ્ચે રેસ, સ્પિનર યુઝવેન્દ્ર ચહલની વાપસીના સંકેત

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ૨૭મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી વન-ડે અને ટી-૨૦ શ્રેણી માટે ચીફ સિલેક્ટર અજિત આગરકરની અધ્યક્ષતામાં બુધવારે સિલેક્શન કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ અને આ શ્રેણી એક જ સમયે રમાવાની હોવાથી ભારતીય ટીમમાં ઘણા મોટા ફેરફારો અને નવા ચહેરાઓ જોવા મળી શકે છે. આ બેઠકમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના પુનરાગમન તેમજ રોહિત શર્માના સિલેક્શન અંગે ગંભીર ચર્ચા થવાની શક્યતા છે, જ્યારે વિરાટ કોહલીનું સ્થાન વન-ડે ટીમમાં સુનિશ્ચિત માનવામાં આવે છે.
હાર્દિક પંડ્યાના કમબૅકનો સંપૂર્ણ આધાર તેની ફિટનેસ પર રહેશે. સિલેક્ટર્સ ખાસ એ વાત ચકાસશે કે તે વન-ડે મેચમાં પૂરી ૧૦ ઓવર બોલિંગ અને ૫૦ ઓવર ફિલ્ડિંગ કરવા માટે સંપૂર્ણ સક્ષમ છે કે નહીં. જો હાર્દિક ઉપલબ્ધ નહીં થાય તો ભારત પાસે સીમ-બોલિંગ ઓલરાઉન્ડરના વિકલ્પો મર્યાદિત છે, કારણ કે નીતીશ કુમાર રેડ્ડી એશિયન ગેમ્સમાં હશે અને વેંકટેશ અય્યર ઈજાગ્રસ્ત છે. બીજી તરફ, વિકેટકીપર-બેટ્સમેન તરીકે કે.એલ. રાહુલ કેપ્ટન શુભમન ગિલના વાઇસ-કેપ્ટન તરીકે પ્રથમ પસંદગી બની શકે છે, જેના કારણે રિષભ પંત અને ધ્રુવ જુરેલે ટીમમાં સ્થાન મેળવવા સખત હરીફાઈ કરવી પડશે.
સ્પિન બોલિંગ વિભાગમાં પણ મોટા ફેરફારો જોવા મળી શકે છે. ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટમાં નોર્થમ્પ્ટનશાયર વતી ૭ મેચમાં ૧૫ વિકેટ ઝડપીને શાનદાર ફોર્મમાં ચાલી રહેલા યુઝવેન્દ્ર ચહલને સાડા ત્રણ વર્ષ બાદ વન-ડે ટીમમાં સ્થાન મળી શકે છે. વરુણ ચક્રવર્તી ઈજાગ્રસ્ત હોવાથી કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજા પર પસંદગીનો કળશ ઢોળાય તેવી પ્રબળ સંભાવના છે. આ ઉપરાંત ૨૦ વર્ષીય યુવા સ્પિન-ઓલરાઉન્ડર વિપ્રજ નિગમના નામે પણ સિલેક્શન કમિટીમાં સરપ્રાઈઝ એન્ટ્રી તરીકે ચર્ચા થઈ શકે છે.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
