તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
એશિયન ગેમ્સમાં ભારતીય શૂટર્સે રચ્યો ઈતિહાસ: કમલજીત અને સુરુચિએ 10 મીટર એર પિસ્તોલમાં રેકોર્ડબ્રેક સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો!
નવો એશિયન રેકોર્ડ સ્થાપી ભારતને શૂટિંગ ક્ષેત્રે અપાવ્યો પ્રથમ સુવર્ણચંદ્રક; ૫૦ મીટર ૩-પી રાઈફલ ટીમ ઈવેન્ટમાં પણ ભારતે કબ્જે કર્યો સિલ્વર મેડલ

નાગોયા, તા.૨૫: જાપાન ખાતે રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય નિશાનબાજોએ અદ્ભુત પ્રદર્શન કરીને ઈતિહાસના પાના પર પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરી દીધું છે. ભારતને ટૂર્નામેન્ટનો બીજો ગોલ્ડ મેડલ શૂટર કમલજીત સિંહ અને સુરુચિ ઈન્દર સિંહની જોડીએ અપાવ્યો છે. એશિયન ગેમ્સના સમગ્ર ઈતિહાસમાં ભારતે પ્રથમ વખત ૧૦ મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવાની અદભુત સિદ્ધિ મેળવી છે, અને તે પણ ઓલ-ટાઇમ રેકોર્ડ સ્કોર સાથે!
કમલજીત અને સુરુચિની જોડીએ ૧૦ મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની હાઇ-વોલ્ટેજ ફાઇનલમાં ૪૮૪.૬ નો ઓલ-ટાઇમ હાઇએસ્ટ સ્કોર નોંધાવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. એશિયન ગેમ્સની આ શૂટિંગ ઈવેન્ટમાં ભારતીય જોડીનો આ સ્કોર એક નવો 'એશિયન વિક્રમ' (Asian Record) બની ગયો છે. શુક્રવારે વિજય મેળવ્યા બાદ બંને શૂટર્સે મુઠ્ઠી વાળીને જોશપૂર્વક પોતાની આ ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ૨૦૨૨ની ચીન એશિયન ગેમ્સમાં આ જ ઈવેન્ટમાં ભારતને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો, પરંતુ આ વખતે કમલજીત-સુરુચિની જોડીએ ભારતને શૂટિંગમાં પ્રથમ સુવર્ણ સફળતા અપાવી છે.
સાઉથ કોરિયાને સિલ્વર, ૫૦ મીટર ઈવેન્ટમાં પણ ભારતનો ડંકો
આ રોમાંચક ઈવેન્ટમાં દક્ષિણ કોરિયાની જોડીએ ૪૭૮.૦૦ ના સ્કોર સાથે સિલ્વર મેડલ અને ઈરાનની જોડીએ ૪૧૫.૦૮ ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. આ તરફ, ૫૦ મીટર ૩-પી રાઈફલ શૂટિંગ ટીમ ઈવેન્ટમાં પણ ભારતે શાનદાર પ્રદર્શન કરતા સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. ભારતને આ સફળતા અપાવવામાં નિશાનબાજ ઐશ્વરી પ્રતાપસિંહ તોમર, નીરજ કુમાર અને રુદરાંક્ષ પાટીલની ત્રિપુટીનો મહત્વનો ફાળો રહ્યો હતો.
આ સાથે શુક્રવાર સવાર સુધીમાં ભારત બે ગોલ્ડ મેડલ સહિત કુલ ૧૯ મેડલ્સ સાથે મેડલ ટેલીમાં ૧૨મા ક્રમે પહોંચી ગયું છે. ભારત માટે આ વખતની એશિયન ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ મહિલા ક્રિકેટ ટીમે જીત્યો હતો.
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
