News of Sunday, 26th July 2026
ઝિમ્બાબ્વે સામેની મેચમાં ભારતીય ઓપનરનો અનોખો કરિશ્મા: બેટિંગમાં સસ્તામાં આઉટ થયા બાદ અભિષેક શર્માએ બોલિંગમાં મચાવ્યો પ્રચંડ તરખાટ, ભારત તરફથી નવો ઇતિહાસ રચી મોટો રેકોર્ડ પોતાને નામ કર્યો
હરારેના મેદાન પર ઓલરાઉન્ડર પ્રદર્શનની નવી મિસાલ: માત્ર ૧૭ રન આપીને ૩ મહત્વની વિકેટો ઝડપતા ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય ઓપનર તરીકે સર્વશ્રેષ્ઠ બોલિંગ કરવાનો ઐતિહાસિક કીર્તિમાન સ્થાપિત થયો

હરારે, તા. ૨૬ જુલાઈ : ઝિમ્બાબ્વે સામે રમાયેલી રોમાંચક ટી૨૦ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના યુવા અને વિસ્ફોટક ઓપનર અભિષેક શર્માએ ક્રિકેટ જગતમાં એક નવો ઇતિહાસ રચી દીધો છે. મેચ દરમિયાન બેટિંગમાં નિષ્ફળ સાબિત થયેલા આ ડાબોડી બેટ્સમેને બોલિંગમાં એવો અદભુત ચમત્કાર કર્યો કે બધા જોતા જ રહી ગયા હતા. ઓપનિંગ બેટિંગમાં આવ્યા બાદ સસ્તામાં પેવેલિયન ભેગા થનારા અભિષેકે પાર્ટ-ટાઇમ સ્પિનર તરીકે બોલિંગમાં કમાલ કરતા ભારત તરફથી એક નવો ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે અંકિત કર્યો છે. ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં કોઈપણ ભારતીય ઓપનર ઓલરાઉન્ડર દ્વારા કરવામાં આવેલું આ અત્યાર સુધીનું સૌથી સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન સાબિત થયું છે.
આ મુકાબલામાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા ઇશાન કિશનના શાનદાર ૮૧ રન અને તિલક વર્માના અણનમ ૬૦ રનની મદદથી ૨૧૯ રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. જોકે, ટીમ ઇન્ડિયાને મજબૂત શરૂઆત અપાવવાની જવાબદારી સાથે મેદાનમાં ઉતરેલો ઓપનર અભિષેક શર્મા બેટિંગમાં માત્ર ૮ રન બનાવીને સસ્તામાં આઉટ થઈ ગયો હતો. પરંતુ, બેટિંગની આ નિષ્ફળતાનો બદલો તેણે બોલિંગ દરમિયાન ખૂબ જ વ્યાજ સાથે ચૂકવ્યો હતો. ૨૨૦ રનના મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમને રોકવા માટે જ્યારે કેપ્ટને અભિષેક શર્માને બોલિંગની જવાબદારી સોંપી, ત્યારે તેણે પોતાની સ્પિનના જાદુથી વિરોધી ટીમના બેટિંગ ઓર્ડરના છોતરાં ફાડી નાખ્યા હતા.
અભિષેક શર્માએ અત્યંત કરકસરયુક્ત બોલિંગ પ્રદર્શન કરતા પોતાના સ્પેલમાં માત્ર ૧૭ રન ખર્ચીને ૩ અતિ મહત્વની વિકેટો ઝડપી લીધી હતી. આ ધારદાર બોલિંગના કારણે ઝિમ્બાબ્વેની ટીમ ક્યારેય મેચમાં વાપસી કરી શકી નહોતી અને સમગ્ર ટીમ માત્ર ૧૨૯ રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે આ મેચ ૯૦ રનના વિશાળ અંતરથી જીતી લીધી હતી. આ અદભુત સ્પેલની સાથે જ અભિષેક શર્મા ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ ફિગર્સ (૩/૧૭) નોંધાવનારો ભારતનો પ્રથમ ઓપનર ખેલાડી બની ગયો છે.
ક્રિકેટના ઇતિહાસ પર નજર કરીએ તો ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ઓપનર તરીકે સૌથી શ્રેષ્ઠ બોલિંગ કરવાનો રેકોર્ડ મહાન વિનુ માંકડ (૮/૫૨, વિરુદ્ધ પાકિસ્તાન, ૧૯૫૨) ના નામે છે, જ્યારે વનડે ક્રિકેટમાં આ રેકોર્ડ રવિ શાસ્ત્રી (૫/૧૫, વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, ૧૯૯૧) ના નામે નોંધાયેલો છે. હવે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ એટલે કે ટી૨૦માં આ ગૌરવપૂર્ણ સ્થાન અભિષેક શર્માએ મેળવી લીધું છે. બેટિંગમાં નિષ્ફળ ગયા હોવા છતાં પોતાની વૈવિધ્યસભર બોલિંગ ક્ષમતાના જોરે મેચનો પાસો પલટી નાખવાની અભિષેકની આ અનોખી સિદ્ધિ સોશિયલ મીડિયા અને ક્રિકેટ જગતમાં ભારે ચર્ચાનો વિષય બની છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
