<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

ચીનમાં ભારતીય હોકી ટીમે મચાવ્યો ભારે ઉત્પાત: તાઈપેઈને ૧૫-૦ થી કચડી સેમિફાઈનલમાં પ્રવેશ, માત્ર ૨ દિવસમાં ફટકાર્યા ૨૨ ગોલ!

એશિયા કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતની ભવ્ય આગેકૂચ; કેપ્ટન અનમોલ એક્કાના પેનલ્ટી કોર્નરથી ધડાધડ ૬ ગોલ, ગ્રૂપ-એ માં ૧૦ પોઈન્ટ સાથે ટોપ પર

મૉકી (ચીન) : ચીનના મૉકી ખાતે રમાઈ રહેલા એશિયા કપમાં ભારતીય જુનિયર હોકી ટીમે પોતાનો દબદબો જાળવી રાખતા વિરોધી ટીમો પર ગોલનો તડાકો બોલાવ્યો છે. મંગળવારે દક્ષિણ કોરિયા સામે ૭-૩ થી ભવ્ય વિજય મેળવ્યા બાદ, બુધવારે ભારતીય પુરુષ હોકી ટીમે એકતરફી મુકાબલામાં ચાઈનીઝ તાઈપેઈને ૧૫-૦ ની શરમજનક હાર આપીને દમામદાર અંદાજમાં સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય વિમેન્સ ટીમે પણ ક્વાર્ટર ફાઈનલમાં જીત મેળવીને દેશનું નામ રોશન કર્યું છે.

 

પ્રથમ ક્વાર્ટર બાદ ભારતીય ખેલાડીઓ ચાઈનીઝ તાઈપેઈ પર તૂટી પડ્યા:

 

સામાન્ય રીતે હોકી મેચમાં ૧૫-૧૫ મિનિટના ચાર ક્વાર્ટર હોય છે. મેચના પ્રથમ ક્વાર્ટરમાં તાઈપેઈના સંરક્ષણે ભારતને ગોલ કરવા દીધો નહોતો. પરંતુ ત્યારબાદની ૪૫ મિનિટમાં ભારતીય ખેલાડીઓએ મેદાન પર એવો તોફાની રમતનો નજારો રજૂ કર્યો કે તાઈપેઈની ટીમ સંપૂર્ણપણે પડી ભાંગી હતી. હાફ-ટાઈમ સુધીમાં ભારતે ૬-૦ ની મજબૂત લીડ મેળવી લીધી હતી અને અંતે ૧૫-૦ થી વિજય મેળવ્યો હતો.

 

કેપ્ટન અનમોલ એક્કાનો મેદાન પર દબદબો:

 

ભારતીય ટીમના કેપ્ટન અને સ્ટાર ડિફેન્ડર અનમોલ એક્કાએ શાનદાર પ્રદર્શન કરતા પેનલ્ટી કોર્નર દ્વારા એકલા હાથે કુલ ૬ ગોલ દાગ્યા હતા. તેમણે કરેલો એક ગોલ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનો ૧૦મો ગોલ બન્યો હતો. કેપ્ટન સિવાય આર્યન એક્સેસ, પ્રભદીપ સિંહ, ગુરસેવક સિંહ, અર્જુન સંતોષ હર્ગુડે, અજીત યાદવ અને હરપાલ સિંહે પણ ગોલ કરીને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

 

ટ્રોફી જીતવા માટે ભારત ફેવરિટ:

 

ભારત એશિયા કપમાં ૫ વખત ચેમ્પિયન બની ચૂક્યું છે અને ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે આ વખતે પણ ટ્રોફી જીતવા માટે પ્રબળ દાવેદાર ગણાઈ રહ્યું છે. ભારતીય ટીમ ૧૦ પોઈન્ટ સાથે ગ્રૂપ-એ માં ટોચના સ્થાને રહીને સેમિફાઈનલમાં પહોંચી છે. બીજી તરફ, કોરિયાએ જાપાનને ૩-૨ થી હરાવી સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે, જ્યારે જાપાન, ઈન્ડોનેશિયા અને તાઈપેઈની ટીમો ખિતાબી રેસમાંથી બહાર થઈ ગઈ છે.

(7:35 PM IST)