<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

જુનિયર એશિયા કપ હૉકીમાં ભારતીય દબદબો: પુરુષ અને મહિલા બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કરી વિરોધીઓને ૭-૭ ગોલથી હરાવ્યા

ચીનમાં ચાલી રહેલી ટૂર્નામેન્ટમાં ભારતનો પરચો: સાઉથ કોરિયા અને જાપાન સામેની ધમાકેદાર જીત બાદ હવે ટાઈટલ જીતવાથી માત્ર થોડા જ અંતરે છે બંને ટીમો

મૉકી (ચીન) તા.08: ચીનના મૉકી ખાતે રમાઈ રહેલા જુનિયર એશિયા કપ હૉકી (Hockey) ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓએ પોતાના શાનદાર અને આક્રમક પ્રદર્શનથી સમગ્ર હોકી જગતમાં ડંકો વગાડી દીધો છે. ભારતીય પુરુષ અને મહિલા બંને ટીમોએ મંગળવારે રમાયેલા મુકાબલામાં વિરોધી ટીમોના સૂપડા સાફ કરી નાખતા બંનેએ ૭-૭ ગોલની શાનદાર જીત નોંધાવી છે. આ બેજોડ દેખાવ સાથે જ ભારતીય ટીમો હવે ટાઈટલથી બહુ દૂર નથી અને ટૂર્નામેન્ટમાં ખિતાબ જીતવા માટે પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવી છે.

 

પુરુષ વર્ગના એક રોમાંચક લીગ મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે શક્તિશાળી સાઉથ કોરિયાની ટીમને ૭-૩થી હરાવીને મેદાન ગજવ્યું હતું. મેચની શરૂઆતથી જ ભારતીય ખેલાડીઓએ સંતુલિત રમત બતાવી હતી, પરંતુ છેલ્લા ક્વાર્ટરમાં સતત ત્રણ ગોલ ફટકારીને મેચનું પાસું સંપૂર્ણપણે પલટી નાખ્યું હતું. ભારત વતી કેપ્ટન અનમોલ એક્કાએ શાનદાર રમત દાખવતા બે ગોલ ફટકાર્યા હતા. આ વિજય સાથે ૩ મેચમાં ૭ પોઈન્ટ મેળવીને ભારતીય પુરુષ ટીમ સેમિ ફાઇનલની લગોલગ પહોંચી ગઈ છે, જ્યાં હવે બુધવારે તાઈપેઈ સામેની છેલ્લી લીગ મેચ જીતીને સત્તાવાર સ્થાન નિશ્ચિત કરશે.

 

બીજી તરફ, મહિલા વર્ગમાં પણ ભારતનો દબદબો જોવા મળ્યો હતો, જ્યાં ભારતીય મહિલા ટીમે જાપાન સામે ૭-૦થી એકતરફી વિજય મેળવીને ક્વોર્ટર ફાઇનલમાં શાનદાર પ્રવેશ કર્યો છે. આ પહેલાં કોરિયા સામે ૪-૧ અને મલેશિયા સામે ૧૧-૧થી વિજય મેળવનાર ભારતીય મહિલા ટીમ ૯ પોઈન્ટ સાથે એલીટ પૂલમાં મોખરાના સ્થાને છે. જાપાન સામેની મેચમાં ક્રિષ્ના શર્મા, સુપ્રિયા, ગીતા યાદવ અને પૂર્ણિમા યાદવે આક્રમક ગોલ કરીને ભારતને મજબૂત સરસાઈ અપાવી હતી, જ્યારે ૫૦મી મિનિટમાં સનિકા ચંદ્રકાન્ત માનેએ વધુ એક ગોલ ઉમેરીને જાપાન સામે ૭-૦ની ઐતિહાસિક જીત નોંધાવી હતી. બુધવારે ચીન સામેના મુકાબલા પહેલા આ ભવ્ય જીતે ભારતીય ટીમને મોટો મનોબળ પૂરો પાડ્યો છે.

(6:02 PM IST)