News of Tuesday, 29th September 2026
ICC રેન્કિંગમાં ભારતીય ચક્રવાત: સ્પિનર શ્રી ચરનીએ ૮૧૭ રેટિંગ પોઈન્ટ્સ મેળવી રચ્યો નવો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયાની મેગન શુટનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો!
મહિલા એશિયા કપ અને એશિયન ગેમ્સમાં વિજયી પ્રદર્શન બાદ ભારતીય મહિલા ક્રિકેટર T20I ક્રિકેટમાં સર્વોચ્ચ રેટિંગ મેળવનાર ઈતિહાસની પ્રથમ બોલર બની

નવી દિલ્હી, તા.૨૯: મહિલા ક્રિકેટ જગતમાં ભારતીય સ્પિનર શ્રી ચરનીએ પોતાની ધારદાર બોલિંગથી ઈતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે નામ અંકિત કરી દીધું છે. ICC મહિલા T20I બોલિંગ રેન્કિંગમાં શ્રી ચરનીએ અત્યાર સુધીના સૌથી વધુ ૮૧૭ રેટિંગ પોઈન્ટ્સ મેળવીને નવો ઓલ-ટાઈમ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ડાબા હાથની આ સ્પિનરે નવેમ્બર ૨૦૧૮થી ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ બોલર મેગન શુટના નામે નોંધાયેલા ૮૦૬ રેટિંગ પોઈન્ટ્સના અગાઉના રેકોર્ડને ભવ્ય રીતે પછાડી દીધો છે.
એશિયા કપ અને એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શનની સફર
શ્રી ચરનીની આ ઐતિહાસિક સિદ્ધિ પાછળ તાજેતરની બે મોટી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સમાં તેનું ઉત્કૃષ્ટ ફોર્મ રહ્યું છે. ભારતની વિજેતા એશિયા કપ ઝુંબેશ દરમિયાન તેણે કુલ ૧૨ વિકેટ ઝડપી હતી, જેમાં શ્રીલંકા સામેની ફાઇનલમાં ૨૦ રન આપીને ૪ વિકેટ (૪/૨૦) મેળવવાનો મેચ-વિનિંગ સ્પેલ શામેલ હતો, જેના દમ પર ભારતે આઠમી વખત આ ટાઇટલ જીત્યું હતું.
ત્યારબાદ જાપાનમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં પણ તેનું વિજયી ફોર્મ જારી રહ્યું હતું. તેણે જાપાન સામે ક્વાર્ટર ફાઇનલમાં ૧૦ રન આપી ૪ વિકેટ (૪/૧૦) ઝડપી કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને ફાઇનલમાં શ્રીલંકા સામે ૨ વિકેટ ઝડપી ભારતને ગોલ્ડ મેડલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
દીપ્તી શર્મા અને સ્મૃતિ મંધાનાનો પણ દબદબો
રેન્કિંગમાં અન્ય ભારતીય ખેલાડીઓએ પણ મોટો ઉછાળો નોંધાવ્યો છે. ઓલ-રાઉન્ડર દીપ્તિ શર્મા એશિયન ગેમ્સની ફાઇનલમાં ૩ વિકેટ ઝડપીને ૭૫૪ રેટિંગ પોઈન્ટ્સ સાથે બોલિંગ રેન્કિંગમાં આગળ વધી છે. જ્યારે બેટિંગમાં ઓપનર સ્મૃતિ મંધાના શ્રીલંકા સામે ફાઇનલમાં ૭૯ રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમીને T20I બેટિંગ રેન્કિંગના ટોચના પાંચ ખેલાડીઓમાં પુનઃ પ્રવેશ કરવામાં સફળ રહી છે.
(5:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
