તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
ભારતીય ક્રિકેટ ટીમના આસિસ્ટન્ટ કોચ રયાન ટેન ડોશ્ચેટનું રાજીનામું :કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે ફરીવાર જોડાઈ શકે
નેધરલેન્ડ્સનાં પૂર્વ કેપ્ટન ટેન ડોશ્ચેટ 2024 ટી20 વર્લ્ડ કપ બાદ ગૌતમ ગંભીરના હેડ કોચ બનવા પર સપોર્ટ સ્ટાફમાં સામેલ થયા હતા. ગંભીરે તેમને આસિસ્ટન્ટ કોચની ભૂમિકા માટે પસંદ કર્યા હતા

ભારતીય ક્રિકેટ ટીમના આસિસ્ટન્ટ કોચ રયાન ટેન ડોશ્ચેટ એ રાજીનામું આપી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે ઈંગ્લેન્ડ પ્રવાસ સમયે જ BCCIને આ અંગે જાણ કરી દીધી હતી અને હવે તેઓ આઈપીએલ ફ્રેન્ચાઈઝ કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે ફરીવાર જોડાઈ શકે છે. ઈંગ્લેન્ડ સિરીઝમાં ભારતીય ટીમ વન-ડે અને ટી20 બંને સિરીઝ હારી હતી. તે અગાઉ આયર્લેન્ડ પ્રવાસે પણ ભારતે 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.
નેધરલેન્ડ્સનાં પૂર્વ કેપ્ટન ટેન ડોશ્ચેટ 2024 ટી20 વર્લ્ડ કપ બાદ ગૌતમ ગંભીરના હેડ કોચ બનવા પર સપોર્ટ સ્ટાફમાં સામેલ થયા હતા. ગંભીરે તેમને આસિસ્ટન્ટ કોચની ભૂમિકા માટે પસંદ કર્યા હતા. ટીમમાં તેઓ બેટિંગ અને ફિલ્ડિંગ, બંને વિભાગની જવાબદારી સંભાળી રહ્યાં હતા. ગૌતમ ગંભીર જુલાઈ 2024માં હેડ કોચ બન્યા હતા અને તેમનો કાર્યકાળ લગભગ 3.5 વર્ષ જેવો ચાલશે. તેઓ ડિસેમ્બર 2027 સુધી હેડ કોચ પદે રહેશે. આ જ રીતે 2023માં ચીફ સિલેક્ટર બનેલા અજીત અગરકરનો કાર્યકાળ 2026માં પૂર્ણ થવાનો હતો, જોકે- તેમનો કાર્યકાળ પણ વર્લ્ડ કપ 2027 સુધી લંબાવાયો છે.
ટેન ડોશ્ચેટનાં કાર્યકાળ દરમિયાન ભારતે 2025માં એશિયા કપ અને 2026માં ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. જોકે, ટેસ્ટ ક્રિકેટમાં ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ભારત ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હાર્યું. આ પછી હોમ ગ્રાઉન્ડ પર ન્યૂઝીલેન્ડ (3-0) અને દક્ષિણ આફ્રિકા (2-0) સામે સિરીઝ ગુમાવી હતી.
ટેન ડોશ્ચેટ ઘણાં સમયથી કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયેલા રહ્યાં છે. એક ખેલાડી તરીકે રયાને 2012 અને 2014માં ટીમને આઈપીએલ ટ્રોફી જીતાડવામાં યોગદાન આપ્યું. તે પછી 2022માં તેઓ ફ્રેન્ચાઈઝીના ફિલ્ડિંગ કોચ બન્યા અને 2024 સુધી ટીમના કોચિંગ સ્ટાફનો ભાગ રહ્યાં. હવે તેઓ ફરીવાર કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાશે. જ્યાં તેઓ અભિષેક નાયર સાથે કામ કરશે.
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
