News of Thursday, 18th June 2026
ચીનની રિંગમાં ભારતીય મુક્કાબાજ મીનાક્ષીનો ધમાકો: પોલેન્ડની ચેમ્પિયનને ૫-૦થી ધૂળ ચટાડી વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં મારી શાનદાર એન્ટ્રી!
નવા વજન વર્ગમાં પણ વર્લ્ડ નંબર ૧ મીનાક્ષીનો દબદબો યથાવત; ભારત માટે બે મેડલ પાકા, હવે પાંચ ભારતીય બોક્સરો ક્વાર્ટર ફાઇનલમાં વિરોધીઓ સામે ટકરાશે.

ગુઇયાંગ (ચીન): તા.૧૮: ચીનના ગુઇયાંગ શહેરમાં રમાઈ રહેલા પ્રતિષ્ઠિત બોક્સિંગ વર્લ્ડ કપ (સ્ટેજ ૨) માં ભારતીય મુક્કાબાજો પોતાનો દબદબો બનાવી રહ્યા છે. ટૂર્નામેન્ટના ચોથા દિવસે ભારતની સ્ટાર બોક્સર મીનાક્ષીએ રિંગમાં એવો પાવરફુલ પંચ માર્યો કે વિરોધી ખેલાડી લાચાર થઈ ગઈ. મહિલાઓની ૫૧ કિગ્રા વજન શ્રેણીમાં મીનાક્ષીએ પોલેન્ડની મજબૂત બોક્સર નતાલિયા કુઝેવસ્કાને ૫-૦થી એકતરફી મુકાબલામાં હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સનસનાટીભરી એન્ટ્રી કરી લીધી છે.
નવા વજન વર્ગમાં પણ મીનાક્ષીની ધાક
તમને જણાવી દઈએ કે મીનાક્ષી હાલમાં ૪૮ કિગ્રા શ્રેણીની વર્તમાન વિશ્વ ચેમ્પિયન અને વર્લ્ડ નંબર ૧ બોક્સર છે. પરંતુ આગામી ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને તેણે ૫૧ કિગ્રાના નવા વજન વર્ગમાં ભાગ લીધો છે. વજન વર્ગ બદલાવા છતાં મીનાક્ષીની આક્રમકતામાં કોઈ કમી આવી નથી અને તેના તમામ જજ દ્વારા સર્વસંમતિથી વિજેતા જાહેર કરવામાં આવી હતી. જોકે, પુરુષોના ૬૫ કિગ્રા વર્ગમાં ભારતને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યાં અભિનાશ જામવાલ કિર્ગિસ્તાનના મિર્ઝોખિદ ઇમામનાઝારોવ સામે ૦-૫ થી હારીને સ્પર્ધામાંથી બહાર થઈ ગયો છે.
ભારતના બે મેડલ પાકા, હવે ‘પંચ’ પાવર બતાવવાનો વારો
ભારત માટે આ ટૂર્નામેન્ટ અત્યાર સુધી શાનદાર રહી છે. જ્યોતિ (૪૮ કિગ્રા) અને જુગ્નુ (૮૫ કિગ્રા) પોતપોતાની કેટેગરીમાં સેમિફાઇનલમાં પહોંચીને દેશ માટે મેડલ પાકા કરી ચૂક્યા છે. બીજી તરફ, ભારતના પાંચ ધુરંધર બોક્સરો - નિખિલ (૫૫ કિગ્રા), દીપક (૭૦ કિગ્રા), મીનાક્ષી (૫૧ કિગ્રા), પ્રાચી (૫૭ કિગ્રા) અને સાનેહ (૬૫ કિગ્રા) એ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવીને મેડલ તરફ મજબૂત કદમ વધાર્યા છે.
દિવસ ૫: ક્વાર્ટર ફાઇનલનો રોમાંચક જંગ (ભારતીય શેડ્યૂલ)
ટૂર્નામેન્ટના પાંચમા દિવસે ભારતની દીકરીઓ અને દીકરાઓ સેમિફાઇનલની ટિકિટ મેળવવા માટે રિંગમાં ઉતરશે:
• મીનાક્ષી (૫૧ કિગ્રા): કઝાકિસ્તાનની મજબૂત ફાઇટર અલુઆ બાલ્કીબેકોવા સામે ટકરાશે.
• સાનેહ (૬૬ કિગ્રા): પોલેન્ડની કિંગા ક્રોવકા સામે પોતાનો પંચ બતાવશે.
• પ્રાચી (૫૭ કિગ્રા): ચાઈનીઝ તાઈપેઈની ચેંગ્યુ યાંગ સામે મેદાનમાં ઉતરશે.
• નિખિલ (૫૫ કિગ્રા): અઝરબૈજાનના અમીન મમ્મદઝાદા સામે જીત માટે લડશે.
• દીપક પુનિયા (૭૦ કિગ્રા): અઝરબૈજાનના જ નબી ઈસગાંડારોવ સામે ટકરાશે.
હવે આખા દેશની નજર આ પાંચ બોક્સરો પર ટકેલી છે. જો તેઓ ક્વાર્ટર ફાઇનલની આ વૈશ્વિક અડચણ પાર કરી લેશે, તો ભારતના ખાતામાં મેડલનો મોટો વરસાદ થવો નક્કી છે!
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
