News of Friday, 26th June 2026
ભારત વિરૂદ્ધ આયર્લેન્ડ જંગ: શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાના નવા યુગની શરૂઆત, પણ બેલફાસ્ટની 'ગ્રીન પિચ' અને વરસાદ વધારશે ટેન્શન!
આજે સાંજે 6 વાગ્યે રમાશે પ્રથમ T20I: યુવા સનસનાટી વૈભવ સૂર્યવંશી પર રહેશે નજર; જાણો ટોસ જીતનારી ટીમ કેમ પહેલા પસંદ કરશે બોલિંગ?

બેલફાસ્ટ, તા.26: ટીમ ઈન્ડિયા આજે આયર્લેન્ડ સામે બે મેચોની T20I શ્રેણીની પ્રથમ મેચ રમીને પોતાના એક નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહી છે. ભારત અને આયર્લેન્ડ વચ્ચેનો આ મુકાબલો બેલફાસ્ટના મેદાન પર ભારતીય સમય અનુસાર સાંજે 6:00 વાગ્યે શરૂ થશે, જ્યારે સાંજે 5:30 વાગ્યે ટોસ ફેંકવામાં આવશે. આ શ્રેણીમાં ભારતીય ટીમની કમાન ધુરંધર બેટ્સમેન શ્રેયસ ઐયરના હાથમાં સોંપવામાં આવી છે. વર્ષ 2023 પછી છેલ્લે ભારત માટે T20 રમનારા ઐયરની આઈપીએલ અને સ્થાનિક ક્રિકેટમાં શાનદાર કેપ્ટનશીપને જોતાં બીસીસીઆઈ (BCCI) એ આ મોટો નિર્ણય લીધો છે. વર્ષ 2026ના T20 વર્લ્ડ કપમાં ટીમનું નેતૃત્વ કરનારા સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને આ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે, જેના કારણે હવે બધાની નજર યુવા ઓપનર વૈભવ સૂર્યવંશી પર ટકેલી છે.
પિચ પર લીલું ઘાસ અને કાળમુખા વાદળોની આફત!
મેચ પહેલાં સામે આવેલા પિચ રિપોર્ટ અનુસાર, બેલફાસ્ટની પિચ પર સારું એવું લીલું ઘાસ જોવા મળ્યું છે. આનો અર્થ એ થયો કે ફાસ્ટ બોલરોને પિચ પરથી જોરદાર સ્વિંગ અને બાઉન્સ મળશે. વાદળછાયા વાતાવરણ વચ્ચે બેટ્સમેનો માટે અહીં રન બનાવવા લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે. વધુમાં, મેચ દરમિયાન બપોરે 1 થી 4 વાગ્યાની વચ્ચે (સ્થાનિક સમય મુજબ) વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે. આ ભીના વાતાવરણ અને પિચના મિજાજને જોતાં જે પણ કેપ્ટન ટોસ જીતશે, તે આંખો બંધ કરીને પહેલા બોલિંગ કરવાનો જ નિર્ણય કરશે.
બેલફાસ્ટ સ્ટેડિયમના રસપ્રદ આંકડા (T20I રેકોર્ડ):
બેલફાસ્ટનું મેદાન હંમેશા રન ચેઝ (પીછો) કરનારી ટીમને સાથ આપે છે. અહીં ક્યારેય 200 રન જેવો મોટો સ્કોર જોવો મળતો નથી.
• કુલ રમાયેલી મેચો: 27
• પહેલા બેટિંગ કરનારી ટીમ જીતી: 10 મેચ (35.71%)
• બીજી બેટિંગ (ચેઝ) કરનારી ટીમ જીતી: 16 મેચ (57.14%)
• પહેલી ઇનિંગ્સનો સરેરાશ સ્કોર: 118 રન
• સૌથી હાઈએસ્ટ સ્કોર: 190/5 | લોએસ્ટ સ્કોર: 53 રન
હેડ-ટુ-હેડ: ટીમ ઈન્ડિયાનો દબદબો કાયમ
જો ઈતિહાસની વાત કરીએ તો ભારત અને આયર્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 8 T20 મેચ રમાઈ છે અને આ તમામ 8 મેચોમાં ટીમ ઈન્ડિયાએ એકતરફી વિજય મેળવ્યો છે. આયર્લેન્ડની ટીમ હજુ પણ ભારત સામે પોતાની પ્રથમ જીતની આશામાં છે. આજના મુકાબલામાં પણ કાગળ પર ભારતીય ટીમ ભારે મજબૂત અને જીત માટે ફેવરિટ દેખાઈ રહી છે.
બંને ટીમોના સંભવિત સ્ક્વોડ પર એક નજર:
• ભારત ટીમ: શ્રેયસ ઐયર (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, સૂર્યાંશ શેડગે, હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણ, અર્શદીપ સિંહ, વૈભવ સૂર્યવંશી, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ.
• આયર્લેન્ડ ટીમ: લોર્કન ટકર (કેપ્ટન/વિકેટકીપર), ટિમ ટેક્ટર, રોસ અડાયર, હેરી ટેક્ટર, ગેરેથ ડેલેની, સ્ટીફન ડોહેની, જ્યોર્જ ડોકરેલ, બેન્જામિન કેલિટ્ઝ, મેથ્યુ હમ્ફ્રીસ, રૂબેન વિલ્સન, ગેવિન હોય, જય મુન્દ્રા, લિયામ મેકકાર્થી, મેથ્યુ હોલાર્ડ.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
