<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

ભારત-ન્યૂઝીલેન્ડ ટી-20 સિરીઝ: ઈશાન કિશન ત્રીજી મેચમાંથી પણ બહાર, BCCIએ સ્વાસ્થ્ય અંગે આપી અપડેટ

જમણા પગની ઈજામાંથી રિકવર થઈ રહેલા વિકેટકીપર-બેટરને લઈને કોઈ જ જોખમ લેવા માગતું નથી ટીમ મેનેજમેન્ટ; કુમાર કુશાગ્ર ટીમ સાથે યથાવત રહેશે.

​વેલિંગ્ટન: ​ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી પાંચ મેચોની ટી-20 આંતરરાષ્ટ્રીય સિરીઝની ત્રીજી મેચ પહેલા અનુભવી વિકેટકીપર-બેટર ઈશાન કિશન સત્તાવાર રીતે બહાર થઈ ગયા છે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) અને ભારતીય ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે સોમવારે આ બાબતની સત્તાવાર પુષ્ટિ કરી છે.

​ઈજાનું કારણ અને વર્તમાન સ્થિતિ:

મળતી માહિતી મુજબ, ઈશાન કિશનને ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝની પ્રથમ ટી-20 મેચ દરમિયાન જમણા પગના સ્નાયુમાં (Right Adductor Strain - થાઈ ઈજા) લો-ગ્રેડની સમસ્યા થઈ હતી. આ ઈજાના કારણે તેઓ અગાઉ રમાયેલી બીજી ટી-20 મેચ પણ રમી શક્યા નહોતા. હાલમાં તેઓ વેલિંગ્ટનમાં રિકવરીના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે.

​સાવચેતીના ભાગરૂપે નિર્ણય:

મેચ અગાઉ યોજાયેલી પ્રેસ કોર્ફરન્સમાં બોલિંગ કોચ મોર્ને મોર્કેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "ઈશાન કિશનની હાલતમાં સુધારો થઈ રહ્યો છે અને તે ટ્રેનિંગ પણ કરી રહ્યા છે, પરંતુ મેચ ફીટનેસના માપદંડોને ધ્યાનમાં રાખીને અને ખેલાડીની સુરક્ષા માટે કોઈ પણ જોખમ ન લેવાના ભાગરૂપે તેમને ત્રીજી મેચ માટે પસંદગીમાં સામેલ કરવામાં આવ્યા નથી." BCCIની મેડિકલ ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.

​ટીમ પર તેની શું અસર પડશે?

ભારતીય ટીમ હાલમાં પાંચ મેચોની આ સિરીઝમાં 2-0ની સરસાઈ ધરાવે છે. ઈશાન કિશનની ગેરહાજરીમાં ટીમ મેનેજમેન્ટે અગાઉ પ્લેઇંગ ઇલેવનમાં ફેરફારો કર્યા છે, જ્યારે વિકેટકીપર-બેટર કુમાર કુશાગ્રને બેકઅપ તરીકે સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યો છે જે ટીમ સાથે જ રહેશે. વેલિંગ્ટનમાં 27 ઓક્ટોબરે રમાનારી ત્રીજી મેચ જીતીને ભારત સિરીઝ પર કબજો જમાવવાના ઈરાદા સાથે મેદાને ઉતરશ.

(1:00 PM IST)