<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

ICC નો કડક નિર્ણય: મેચ ફિક્સિંગ અને ભ્રષ્ટાચારના કેસમાં USA ના ક્રિકેટર અખિલેશ રેડ્ડી પર ૮ વર્ષનો ક્રિકેટ પ્રતિબંધ, મોબાઈલ ડેટા ડિલીટ કરી તપાસમાં અડચણ ઊભી કરવાનો પણ આરોપ

અબુ ધાબી T10 લીગ દરમિયાન ગેરરીતિ આચરવા બદલ ICC ભ્રષ્ટાચાર વિરોધી ટ્રિબ્યુનલે આકરું પગલું ભર્યું: નવેમ્બર ૨૦૩૩ સુધી તમામ પ્રકારના ક્રિકેટમાંથી આઉટ.

દુબઈ — તા.૦૩ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ની ભ્રષ્ટાચાર વિરોધી ટ્રિબ્યુનલે રમતની ગરિમાને નુકસાન પહોંચાડવા બદલ અમેરિકન ક્રિકેટર બોડુગમ અખિલેશ રેડ્ડી પર તમામ પ્રકારના ક્રિકેટમાંથી ૮ વર્ષ માટે મોટો પ્રતિબંધ લગાવી દીધો છે. અખિલેશ રેડ્ડીને ICC ની ભ્રષ્ટાચાર વિરોધી સંહિતા (Anti-Corruption Code) ના ત્રણ અલગ-અલગ નિયમોના ઉલ્લંઘન બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ પ્રતિબંધ ૨૧ નવેમ્બર, ૨૦૨૫ થી અમલમાં ગણાશે, જ્યારે તેમને કામચલાઉ રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, અને તે નવેમ્બર ૨૦૩૩ સુધી લાગુ રહેશે.
આ સમગ્ર વિવાદ અબુ ધાબી T10 લીગની ૨૦૨૫ ની સિઝન દરમિયાન સામે આવ્યો હતો, જ્યાં ICC એ અમીરાત ક્રિકેટ બોર્ડ વતી ભ્રષ્ટાચાર વિરોધી અધિકારી (DACO) તરીકે તપાસ હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે અખિલેશ રેડ્ડીએ મેચના પરિણામ, પ્રગતિ કે અન્ય પાસાઓને અયોગ્ય રીતે પ્રભાવિત કરવાનો તેમજ ફિક્સિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો (કલમ ૨.૧.૧). આ ઉપરાંત, તેમણે અન્ય ખેલાડીઓને પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા માટે લલચાવવા, ઉશ્કેરવા અને પ્રોત્સાહિત કરવાનો ગુનો કર્યો હતો (કલમ ૨.૧.૪).
ટ્રિબ્યુનલે અખિલેશને કલમ ૨.૪.૭ હેઠળ તપાસમાં અવરોધ ઊભો કરવા બદલ પણ દોષિત ઠેરવ્યા છે. તેમણે પોતાના મોબાઈલ ડિવાઈસમાંથી મહત્વપૂર્ણ ડેટા અને મેસેજ ડિલીટ કરીને પુરાવા નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.
નોંધનીય છે કે અખિલેશ રેડ્ડીએ એપ્રિલ ૨૦૨૫ માં યુએસએ (USA) માટે ૪ T20I આંતરરાષ્ટ્રીય મેચો રમી હતી. ચાલુ વર્ષે ભ્રષ્ટાચારના કેસમાં સસ્પેન્ડ થનારા તેઓ અમેરિકાના બીજા આંતરરાષ્ટ્રીય ખેલાડી બન્યા છે. આ અગાઉ સ્ટાર બેટ્સમેન એરોન જોન્સને પણ Bim10 ટુર્નામેન્ટ દરમિયાન આચારસંહિતાના ઉલ્લંઘન બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

(4:50 PM IST)