<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

ટેસ્‍ટ સિરીઝ પહેલાં ટીમ ઈન્‍ડિયાને ICCનો આર્થિક ફટકો

ન્‍યૂઝીલેન્‍ડ સામેની પાંચમી વનડેમાં ધીમા ઓવર રેટ બદલ ૩૫ ટકા મેચ ફી કપાઈ : નિર્ધારિત સમય કરતાં સાત ઓવર પાછળ રહી ગયું ભારત, શ્રેયસ અય્‍યરે ગુનો સ્‍વીકારતાં સુનાવણીની જરૂર ન પડી

નવી દિલ્‍હીઃ ન્‍યૂઝીલેન્‍ડ સામે ટી-૨૦ અને વનડે શ્રેણીમાં શાનદાર જીત મેળવીને આત્‍મવિશ્વાસથી છલકાતી ભારતીય ક્રિકેટ ટીમને ટેસ્‍ટ સિરીઝના પ્રારંભ પહેલાં જ આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટ કાઉન્‍સિલ (આઇસીસી) તરફથી મોટો આર્થિક ઝટકો લાગ્‍યો છે. ન્‍યૂઝીલેન્‍ડ સામે રમાયેલી પાંચમી અને અંતિમ વનડેમાં ધીમા ઓવર રેટના કારણે આઇસીસીએ ભારતીય ટીમના તમામ ખેલાડીઓની મેચ ફીમાંથી ૩૫ ટકા રકમ કાપવાનો નિર્ણય લીધો છે.

ભારત અને ન્‍યૂઝીલેન્‍ડ વચ્‍ચે ૧૫ નવેમ્‍બરના રોજ માઉન્‍ટ મૌંગાનુઈ ખાતે પાંચમી અને નિર્ણાયક વનડે રમાઈ હતી. આ મુકાબલામાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં ૨૦૯ રન બનાવ્‍યા હતા. ત્‍યારબાદ ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને ન્‍યૂઝીલેન્‍ડની ટીમને ૧૮૭ રનમાં ઓલઆઉટ કરી ૨૨ રનથી વિજય મેળવ્‍યો હતો. આ જીત સાથે ભારતે પાંચ મેચની વનડે શ્રેણી પણ ૩-૧થી પોતાના નામે કરી હતી. જોકે, આ જીતના ત્રણ દિવસ બાદ ICCના દંડના નિર્ણયથી ભારતીય ટીમને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્‍યો છે.

આઇસીસીના જણાવ્‍યા અનુસાર ભારતીય ટીમ નિર્ધારિત સમય અને સમયની છૂટછાટને ધ્‍યાનમાં લીધા બાદ પણ કુલ સાત ઓવર પાછળ રહી ગઈ હતી. આ મામલે ICCના મેચ રેફરી રંજન મદુગલ્લેએ ભારતીય ટીમ સામે કાર્યવાહી કરી હતી.

આઇસીસીની આચારસંહિતાની કલમ ૨.૨૨ મુજબ નિર્ધારિત સમયની અંદર ઓવર પૂર્ણ નહીં કરવા બદલ દરેક ઓવર દીઠ ખેલાડીઓની મેચ ફીના પાંચ ટકા દંડ વસૂલવામાં આવે છે. ભારત સાત ઓવર પાછળ રહેતાં કુલ ૩૫ ટકા દંડ ફટકારવામાં આવ્‍યો છે. આ નિયમ હેઠળ મહત્તમ દંડ ૫૦ ટકા સુધી થઈ શકે છે.

આ મેચમાં ભારતીય ટીમની આગેવાની કરી રહેલા શ્રેયસ અય્‍યરે પોતાની ભૂલ સ્‍વીકારીને આઇસીસી દ્વારા આપવામાં આવેલી સજા સ્‍વીકારી લીધી હતી. પરિણામે આ મામલે ઔપચારિક સુનાવણી કરવાની જરૂર પડી નહોતી. મેદાન પરના અમ્‍પાયરો પોલ રીફેલ અને વેઇન નાઈટ્‍સ સહિત થર્ડ અમ્‍પાયર કુમાર ધર્મસેના તથા ફોર્થ અમ્‍પાયર ક્રિસ બ્રાઉને આ મામલે ચાર્જ લગાવ્‍યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે ન્‍યૂઝીલેન્‍ડ સામેની વનડે શ્રેણીનો અંત વિજય સાથે કર્યો છે અને હવે બંને ટીમો ટેસ્‍ટ ક્રિકેટના પડકાર માટે તૈયાર છે. આવી સ્‍થિતિમાં ટેસ્‍ટ શ્રેણી શરૂ થાય તે પહેલાં ત્‍ઘ્‍ઘ્‍ની આ કાર્યવાહી ભારતીય ટીમ માટે ચર્ચાનો વિષય બની છે.

(4:06 PM IST)